અકસ્માત માટે બ્લેક સ્પોટ બનેલી આભવા અને ખજોદ આ બંને ચોકડી પર ફ્લાયઓવર બનાવવા માટે સરકાર દ્વારા 93 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. હજીરા અને આસપાસના મહાકાય ઉદ્યોગોમાંથી મોટા વાહનોની અવરજવર વધુ હોવાથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે.
.
બંને ચોકડી પર સતત ટ્રાફિકની સમસ્યા રહેતી હતી આ બંને ચોકડી પર ફ્લાયઓવર બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેશનલ હાઇ-વે મંત્રી નિતીન ગડકરીને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ મહત્વપૂર્ણ મંજૂરી મળી છે. હજીરા અને આસપાસના મહાકાય ઉદ્યોગોમાંથી મોટા વાહનોની અવરજવર, ડાયમંડ બજાર, સચિન-પાંડેસરા GIDC, હોજીવાલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને SEZ તરફ જતા ટ્રાફિકને કારણે આભવા અને ખજોદ ચોકડી પર સતત ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. નવો ફ્લાયઓવર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે.
ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ મળશે આ મંજૂરીને કારણે સ્થાનિક ઉદ્યોગકારો, ગ્રામ્ય વિસ્તારોના આગેવાનો અને નાગરિકોમાં ઉત્સાહ છે. ફ્લાયઓવરના નિર્માણથી આ વિસ્તારનો વિકાસ વધુ પ્રગતિશીલ બનશે અને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે જીવન સરળ બનશે. આ યોજનાનો અમલ નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે અને આ કાર્ય પૂર્ણ થવાથી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ મળે એવી આશા છે.
બ્રિજ બનાવવા કુલ 93 કરોડ મંજૂર કરાયા સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી લાંબા સમયથી ટ્રાફિકને નડતરરૂપ એક્સિડન્ટ ઝોનમાં ફલાયઓવર બ્રિજ બનાવવા ધારાસભ્ય સંદિપ દેસાઈ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલને રજૂઆત કરવામાં આવી હતી. નેશનલ હાઇ-વે દ્વારા ધુલીયા-હજીરા રોડ પર આભવા ચોકડી ફલાયઓવર બ્રિજ બનાવવા 36 કરોડ, ખજોદ ચોકડી પર ફલાયઓવર બ્રિજ બનાવવા પર રૂ.47 કરોડ અને યુટિલિટી શિફ્ટીંગના રૂ.10 કરોડ એમ મળી કુલ 93 કરોડ મંજુર કરવામાં આવ્યા છે.
કેટલા રૂપિયાની ફાળવણી?
- આભવા ચોકડી ફલાયઓવર માટે- 36 કરોડ
- ખજોદ ચોકડી ફલાયઓવર માટે- 47 કરોડ
- યુટિલિટી શિફ્ટિંગ માટે- 10 કરોડ
ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, મારા ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઘુલિયા હજીરા નેશનલ હાઈ-વે પર આભવા ચોકડી તથા ખજોદ ચોકડી ઉપર હજીરા મહાકાય ઉદ્યોગનાં મોટા-મોટા વાહનો, દુનિયાનું સૌથી મોટુ ડાયમંડ હીરા બુસ તેમજ સચિન પાંડેસરા GIDC, સુરત સ્પેશ્યલ ઈકોનોમી ઝોન (SEZ) હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તથા આજુબાજુનાં ગામોનો ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ખૂબ જ રહેતી હતી. આ ટ્રાફિકની સમસ્યા અંગે ઉદ્યોગોનાં આગેવાનો તેમજ સ્થાનિક ગામોનાં આગેવાનો તેમજ રહેવીસાઓએ આ વિસ્તાર લોકોએ રજૂઆત કરી હતી. ત્યારબાદ અમે પ્રધાનમંત્રી અને હાઇ-વે મંત્રીને પણ રજૂઆત કરતા મંજૂરી મળી છે. નજીક ગામ હોવાના કારણે અહીં ગામના લોકો અવરજવર કરતા હોય છે જેના કારણે અકસ્માતની ઘટના પણ બનતી હતી. આ ફ્લાયઓવર બન્યા બાદ ધુલિયા સુધી જનાર લોકોને રાહત મળશે.