પોરબંદર નજીક આદિત્યાણા રોડ પર મંગળવારે મોડી સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બખરલા ગામના બે યુવાનો બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પરની હડફેટે તેમના મોત નિપજ્યા છે.
.
અકસ્માતની જાણ થતાં આસપાસના વિસ્તારના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જો કે, બન્ને યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતકોના મૃતદેહને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યા મુજબ, મૃતક બન્ને યુવાનો પોરબંદર નજીકના બખરલા ગામના રહેવાસી છે. પોલીસ હાલ બન્ને યુવાનોની સચોટ ઓળખ મેળવવાની કાર્યવાહી કરી રહી છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.