સુરત ક્રાઈમ બ્રાંચે નવસારી શહેરમાં 2002માં પારસી દંપતીના ડબલ મર્ડર અને લૂંટના ગુનામાં દોષિત ઠરેલા અને લાજપોર જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલા આરોપી બિપીન નટવરલાલ શર્મા (ઉ.વ. 43)ને હિંમતનગર ખાતેથી ઝડપી લીધો છે.
.
હિંમતનગરમાં છુપાઈને રહેતો હતો આરોપી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, હિંમતનગર શહેરના હાથીમતી કેનાલ ફ્રંટ સામે, પુર્ણિમા ચોક પાસે, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બિપીન શર્માને ઝડપી પાડ્યો હતો. બિપીન મૂળ ખેડબ્રહ્માના બ્રહ્માજી ચોકનો રહેવાસી છે, પરંતુ તે છેલ્લા કેટલાય વર્ષોથી હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર છુપાઈને જીવી રહ્યો હતો.
2002માં પારસી દંપતીની હત્યા અને લૂંટ 2002માં બિપીન શર્મા અને તેના સાગરીત રઘુનાથ ગુર્જર સહિતના લોકોએ નવસારીમાં એક પારસી દંપતીને તેમના ઘરમાં બાંધકીને લીધા બાદ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી 54,000ની લૂંટ ચલાવી હતી. આ કેસમાં નવસારી પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી, IPC કલમ 302, 394, 342 અને 120(B) મુજબ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ, નામદાર એડીશનલ સેશનસ કોર્ટ, નવસારી એ આજીવન કેદ અને 5,000 દંડની સજા ફટકારી હતી. બિપીન શર્મા લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો હતો, પરંતુ પેરોલ રજા મળી, અને તે ફરાર થઈ ગયો હતો.
આરોપી વિરુદ્ધ નોંધાયેલા અનેક ગુનાઓ બિપીન શર્મા માત્ર ડબલ મર્ડર અને લૂંટના ગુનામાં જ નહીં, પણ ગુજરાતના અન્ય શહેરોમાં નોંધાયેલા ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. મોડાસા, નવસારી, વલસાડ, સચીન, પાટણ, બાલીસણા અને અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનોમાં તેના પર અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા છે.
આરોપી સામે નોંધાયેલા મુખ્ય ગુનાઓ
- પ્રિઝનર એક્ટ: મોડાસા, નવસારી, વલસાડ, સચીન
- પ્રોહીબીશન એક્ટ: વલસાડ
- અપરાધિક ધમકી અને હપ્તાવસૂલી: પાટણ (IPC 306, 384, 506(1), 114, નાણાં ધીરધાર કાયદા મુજબ)
- ઠગાઈ અને દસ્તાવેજ જાળસાજી: સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન (IPC 420, 465, 468, 471, 193)
સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપ્યો, નવસારી પોલીસને સોંપવાની તૈયારી પોલીસે બિપીન શર્માને ઝડપી પાડવા માટે લાંબા સમયથી ગુપ્ત તપાસ ચલાવી હતી. આખરે સુરત ક્રાઈમ બ્રાંચે હિંમતનગરમાં રેડ કરીને આરોપીને ઝડપી લીધો હતો. હાલ નવસારી પોલીસને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે, જ્યાં તેની વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરાશે.