Updated: Dec 27th, 2023
image : Freepik
– પોલીસે રિમાન્ડ લેવા માટેની સમજ કરતા ઉશ્કેરાયેલા આરોપીએ દરવાજાના કાચ સાથે માથું અથાડી જાતે જ ઈજા પહોંચાડી
– ખંડણી અને વ્યાજખોરિના ગુનામાં પકડાયેલા આરોપીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં એલઆઈબીની રૂમમાં દરવાજાના કાચ સાથે માથું અથાડી પોલીસને ફસાવી દેવાની ધમકી આપી હતી જે અંગે સીટી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે
વડોદરા,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ રમેશભાઈએ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી અને વ્યાજખોરીના ગુનાના આરોપી હિતેશભાઈ ઉર્ફે રાજુ કનુભાઈ સથવારા (રહેવાસી ચંદ્રમોલેશ્વર નગર ભેલ ટાઉનશીપ ની સામે ગોત્રી મૂળ રહેવાસી ધંધુકા ગામ તાલુકો ધંધુકા જીલ્લો અમદાવાદ) કોર્ટના આગોતરા જામીન હુકમના આધારે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. સિનિયર પીએસઆઇજીયુ ગોહિલે તેઓને નોટિસ પાઠવી હાજર રાખ્યા હોવાથી તેઓની પૂછપરછ કરી નિવેદન લખી લેવા જણાવતા અમે આરોપીનું નિવેદન લખ્યું હતું. ત્યારબાદ સિનિયર પીએસઆઇએ આરોપીના રિમાન્ડ લેવાનું જણાવતા અમે આરોપીને સમજ કરી હતી કે બે દિવસ પછી તમે કોર્ટમાં આવી જજો તે બાબતે અમે તમને નોટિસ આપી છે.
ત્યારબાદ અમે નોટિસ તૈયાર કરતા હતા અને સિનિયર પીએસઆઇ તેમની ઓફિસમાં અન્ય અરજીના અરજદાર હિતેશભાઈ ઈશ્વરભાઈ પટેલ સાથે ચર્ચા કરતા હતા. તે દરમિયાન આરોપીએ બાથરૂમમાં જવાનું જણાવતા અમે ખુરશીમાંથી ઊભા થઈને તેઓને રસ્તો બતાવી પરત પીએસોની રૂમમાં આવતા હતા. તે દરમિયાન અચાનક અવાજ આવતા અમે જોયું તો આરોપીએ એલઆઇબી રૂમના દરવાજાના કાચ સાથે પોતાનું માથું અથાડયું હતું અને તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેથી અમે સ્ટાફના માણસો દોડી આવ્યા હતા અને આરોપીને સિનિયર પી.એસ.આઇ ની ઓફિસમાં લઈ જતા હતા. તે સમયે આરોપીએ મને ધમકી આપતા કહ્યું હતું કે તમે જુઓ હું તમને જેલના સળિયા પાછળ મોકલી દઈશ હજુ તમે મને ઓળખતા નથી. તમે મારા રિમાન્ડ માગશો તો હું પોલીસ સ્ટેશનમાં આવી હજુ માથા ભટકાવીશ અને કોર્ટમાં કહીશ કે મને પોલીસે માર માર્યો છે.