વડોદરાઃ કારભાડાની રકમ વસૂલવા માટે મિત્રને નિર્દયી રીતે માર મારી હત્યા કરવાના બનાવના સૂત્રધાર વિશ્વજીત વાઘેલાએ હત્યા કર્યા પછી પોતે જ એમ્બ્યુલન્સ બોલાવી પાર્થને સિવિલમાં દાખલ કરાવ્યો હતો.
છાણી જકાતનાકા વિસ્તારમાં ઇન્ફિનિટી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ધરાવતા વિશ્વજીત વાઘેલા(મોકસી ગામ,તા.સાવલી, વડોદરા)એ તેના મિત્ર પાર્થ સુથારને સ્વિફ્ટ ડિઝાયર કાર ભાડેથી આપી હતી.જે કારનું ૧૮ દિવસનું ભાડું વસૂલવા માટે તે ધાકધમકી આપતો હતો.
આ ઉપરાંત પાર્થે આ કાર અરવલ્લીમાં વેચી દીધી હતી.જેના રૃપિયા પણ તેણે આપતો નહતો અને આ કાર વિશ્વજીત છોડાવી લાવ્યો હતો.જેથી રૃપિયા વસૂલવા માટે તેણે તા.૪થીએ પાર્થને પોતાની ઓફિસે બોલાવ્યો હતો.જ્યાં,જયદીપ સોલંકી(ગોરવા),તેનો એક સાગરીત તેમજ વિશ્વજીતના બે ડ્રાઇવરે પાર્થને પટ્ટા,લાકડી અને મુક્કાથી માર મારતાં તેનું મોત નીપજ્યું હતું.
ત્યારબાદ વિશ્વજીતે પાર્થને ચક્કર આવતાં પડી ગયો છે તેમ કહી ૧૦૮ બોલાવી તેને એસએસજી હોસ્પિટલમાં મુકી આવ્યો હતો.ત્યાંથી તેણે મરનારના કઝીનને ફોન કરી પાર્થ મારી ઓફિસમાં ખુરશી પરથી પડી ગયો હોવાથી સિવિલમાં દાખલ કર્યો છે તેમ કહ્યું હતું.પરંતુ ત્યારબાદ પાર્થના સબંધી તેમજ પોલીસે વિશ્વજીતને ફોન કરતાં તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.પોલીસે વિશ્વજીત વાઘેલા અને તેના બે ડ્રાઇવર પ્રજ્ઞોશ રામા અને રોનક ચૌહાણ(બંને રહે.છાણી)ને બે દિવસના રિમાન્ડ પર લીધા છે.
હત્યારા વિશ્વજીત ને તેની ઓફિસમાં લઇ જઇ બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું
હુમલાખોરોએ એટલી ક્રૂરતા પૂર્વક માર માર્યો કે લાકડી પણ તૂટી ગઇ
હત્યાના બનાવના આરોપી વિશ્વજીતને આજે તેની ઓફિસમાં લઇ જઇ પોલીસે બનાવનું રીકન્સ્ટ્ર્ક્શન કરાવ્યું હતું.
કારના ભાડાની રકમ વસૂલવા માટે સારસાના પાર્થ સુથારને ઓફિસમાં બોલાવી વિશ્વજીત અને તેની ચાર સાગરીતોએ ઢોર માર મારતાં મોત નીપજ્યું હતું.હુમલાખોરોએ એટલી ક્રૂરતા પૂર્વક માર માર્યો હતો કે પોલીસ વાપરે છે તે લાકડી પણ તૂટી ગઇ હતી.
ફતેગંજના પીઆઇ અજય ગઢવીએ સૂત્રધાર વિશ્વજીતને રિમાન્ડ પર લઇ તેની ઓફિસમાં રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને લાકડી પણ કબજે લીધી હતી.