Updated: Dec 22nd, 2023
આરોપીએ નાયલોનના પટ્ટા વડે હત્યા કર્યા બાદ પટ્ટો ચૂલામાં નાખી પુરાવાનો નાશ કર્યો હતો
કલોલ : કલોલ તાલુકાના છત્રાલ ગામે મહિલાની નાયલોનના પટ્ટા વડે ગળું
દબાવી હત્યા કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીએ નાયલોનના
પટ્ટાને ચુલામાં સળગાવીને પુરાવાનો નાશ કરી દીધો હતો. હત્યાને પગલે કલોલ તાલુકા
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
ઘટનાની વિગતો
અનુસાર બે વર્ષ અગાઉ છત્રાલ ગામ પાસે આવેલ નિરમા કંપનીના ક્વાટર્સમાં રહેતા મરતી
બેનનો આરોપી ઈન્દ્રરાજ ઉર્ફે દિનેશ કાવાજી પાંડોર સાથે જમવાનું બનાવવા બાબતે ઝઘડો
થયો હતો. જેથી આરોપીએ મહિલાને માર મારી નાયલોનના પટ્ટા વડે ગળું દબાવી મોત
નિપજાવ્યું હતું. હત્યામાં વપરાયેલ નાયલોનના પટ્ટાને ચૂલામાં નાખી સળગાવીને
પુરાવાનો નાશ કર્યો હતો. આ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી.
તાલુકા પોલીસે કેસની ચાર્જશીટ કરતા કલોલ કોર્ટમાં એડિશનલ
સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. જેમાં ફરિયાદી તરફથી સરકારી વકીલ હાજર
રહ્યા હતા. સુનાવણી દરમિયાન ફરિયાદી,
ડોક્ટર તેમજ અન્ય સાક્ષીઓની જુબાની લીધી હતી અને કોર્ટમાં રજૂ થયેલ પુરાવા
ધ્યાનમાં લઈને આરોપીએ ગુનો કર્યો હોવાનું સાબિત થયું હતું.સમાજમાં દાખલો બેસે તેવા
હેતુસર આવા ક્ર અને ઘાતકી માનસ ધરાવતા આરોપીને સખતમાં સખત અને વધુ સજા થાય તેવી
વકીલે માંગ કરી હતી. જેથી કોર્ટે આરોપી ઈન્દ્રરાજ ઉર્ફે દિનેશ કાવાજી પાંડોર હાલ
રહે નિરમા કંપનીના સ્ટાફ ક્વાર્ટર્સને આજીવન કેદની સજા ફટકારી હતી. વધુમાં કોર્ટે
આરોપીને હત્યાના ગુનામાં ૫૦૦૦ રૃપિયાનો દંડ ચૂકવવાનો હુકમ કર્યો હતો તેમજ દંડ ન
ચુકવે તો છ માસની સખ્ત કેદની સજા ભોગવવાનો આદેશ કર્યો છે.