– સેન્ટ્રલ જેલમાં કેદી સાથે મુલાકાત માટે ‘વહેવાર’ : પ્રતીક સસાને નોકરીએ આવતો હોય તેમ રોજ જેલમાં આવે છે
– એસીબીએ તેને પકડયો ત્યારે ખિસ્સામાંથી રોકડા રૂ.65,884 મળ્યા હતા
સુરત, : સુરત એસીબીએ ગતરોજ લાજપોર જેલમાં છટકું ગોઠવી બે કેદીની મુલાકાત કરાવવા કેદી દીઠ રૂ.500 લેખે રૂ.1000 ની માંગણી કરી પૈસા સ્વીકારતા જે ખાનગી વ્યક્તિને ઝડપી લીધો હતો તે ભેસ્તાનનો યુવાન પ્રતીક સસાને મારામારીના ગુનામાં જેલની હવા ખાધા બાદ જેલના ભ્રષ્ટાચારીઓનો ટાઉટ બની ગયો હતો.પ્રતીક નોકરીએ આવતો હોય તેમ રોજ જેલમાં આવે છે.એસીબીએ ગતરોજ તેને પકડયો ત્યારે ખિસ્સામાંથી રોકડા રૂ.65,884 મળ્યા હતા.
એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લાજપોર સ્થિત લાજપોર જેલમાં કેદી સાથે મુલાકાત કરવા માટે સંબંધીઓએ રૂ.500 થી રૂ.2000 નો વહેવાર કરવો પડે છે અને કેદીને હાઇ સિક્યુરીટી બેરેકમાં શિફ્ટ નહી કરવાના રૂ.10 હજારથી રૂ.1 લાખની માંગણી થતી હોવાની ફરિયાદને પગલે સુરત એસીબીએ ગતરોજ લાજપોર જેલમાં છટકું ગોઠવી બે કેદીની મુલાકાત કરાવવા કેદી દીઠ રૂ.500 લેખે રૂ.1000 ની માંગણી કરી પૈસા સ્વીકારતા ખાનગી વ્યક્તિ પ્રતિક કૈલશ સસાને ( ઉ.વ.34, રહે.ભૈરવનગર, ભેસ્તાન, સુરત ) ને ઝડપી લીધો હતો.પ્રતીક મારામારીના ગુનામાં પોલીસે પકડયા બાદ જેલ હવાલે કરાયો હતો ત્યારે તે જેલના ભ્રષ્ટ કર્મચારીઓના સંપર્કમાં આવ્યો હતો.બાદમાં તે તેમના માટે ટાઉટ બની કામ કરવા લાગ્યો હતો.
રોજ તે નોકરીએ આવતો હોય તેમ જેલમાં આવે છે.જેલમાં પ્રવેશ કરતી વેળા કોઈ પોલીસ અધિકારી કે અન્ય વ્યક્તિએ રજીસ્ટરમાં એન્ટ્રી કરાવવી પડે તેવો ત્યાં નિયમ છે છતાં તે કોઈપણ એન્ટ્રી કરાવ્યા વિના મુલાકાત ખંડમાં પ્રવેશે છે.તે બાબત દર્શાવે છે કે તેની સાથે જેલના કોઈ કર્મચારી કે અધિકારીની સાંઠગાંઠ છે.પ્રતીક ઘણા લાંબા સમયથી આ રીતે જેલમાં હાજર રહે છે અને રોજ ઘણા લોકો પાસે પૈસા લઈ મુલાકાતની ગોઠવણ કરે છે.એસીબીએ ગતરોજ તેને પકડયો ત્યારે તેના ખિસ્સામાંથી રોકડા રૂ.65,884 મળ્યા હતા.પ્રતીક આ રકમ શેની છે તે અંગે યોગ્ય ખુલાસો કરી શક્યો નહોતો.