પાટણ શહેર અને જિલ્લામાં આવતીકાલે આસો સુદ એકમને ગુરુવારથી આદ્યશક્તિની આરાધનાનાં પર્વ નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. પાટણમાં મહોલ્લા પોળ અને સોસાયટી વિસ્તારોમાં સામૂહિક રીતે યોજાતા શેરી ગરબાઓ અને નવરાત્રિનાં આયોજનોને આખરી ઓપ આયોજકો આપી રહ્યા છે.
.
પાટણ શહેરમાં 2024ની નવરાત્રિનાં આયોજનો તો લગભગ તમામ સ્થળે થાય જ છે. જેમાં નાના મહેલ્લા પોળોમાં તો સિંગલ ફેઝની વીજભારની જરૂર પડતી હોવાથી તેઓ સ્થાનિક રીતે જ તેની જરૂરિયાતની વ્યવસ્થા ઘરેલુ સ્તરે જ કરી લે છે. પરંતુ શહેરની મોટી સોસાયટીઓ અથવા તો ચોક વિસ્તારોમાં મોટા પાયે નવરાત્રિના મડપોનાં આયોજનો થઈ રહયા છે. આથી તેઓને વધારાનાં વીજભારની જરૂર પડતી હોય છે. આવા અસ્થાઈ વીજવપરાશ માટે આયોજકો દ્વારા વધારાનાં વીજભાર મેળવવા માટે પાટણની ઉત્તર ગુજરાત વીજ કંપનીની સીટી-1 અને સીટી-2 સબ ડિવિઝન વિસ્તારમાં આવતા મહેલ્લા પોળો અને સોસાયટી વિસ્તારોમાંથી વીજભાર મેળવવાની અરજીઓ કરી છે.
આ અરજીઓ આધારે જે તે માગણીદારને તેમની જરૂરિયાત પ્રમાણેનાં વધારાનાં વીજલોડનાં મીટર નવ દિવસથી 15 દિવસ માટે મુકી આપવામાં આવશે. પાટણની વીજ કંપનીનાં બંને ડિવિઝનોમાં આજ દિન સુધીમાં ટેમ્પરરી વીજલોડ માટેની કુલે 20 જેટલી અરજીઓ આયોજકો તરફથી મળી છે. અને કદાચ હજુ તેમાં વધારો થઈ શકે છે. પાટણમાં આ વખતે બે મોટા અને વિશાળ પ્રમાણમાં નવરાત્રિ આયોજનો થવાનાં છે. જેમાં એક આયોજન શહેરનાં હાંસાપુર પાસે ખોડાભા હોલમાં થયેલુ છે. જયારે બીજુ એક આયોજન પાંજરાપોળ પાસે રણકારનું થવાનું છે.
પાટણ વીજ કંપનીનાં જણાવ્યા પ્રમાણે પાટણ સીટી-1 ડિવિઝનનાં તાબા હેઠળનાં વિસ્તારોમાં ગરબા આયોજકો તરફથી વધારાનાં ટેમ્પરરી વીજભાર માટે નવ (9) માગ અરજીઓ આવી છે. જેમાં અંદાજે 40 કિલો વોટનો વધારાનો વીજ વપરાશ થશે. વીજ લોડ માટે માગણી કરનારા આયોજકોમાં શ્રીનગર સોસાયટી, ચિત્રકુટ, વલ્લભનગર, જળચોક-જોગીવાડો, શાંકુતલ ગ્રીન, હરેકૃષ્ણ સોસાયટી, વેદ ટાઉનશીપ, હિંગળાચાચર ચોકનાં આયોજનોનો સમાવેશ થાય છે.
જયારે પાટણની વીજ કપનીનાં સીટી-2નાં વિસ્તારોમાં બે મોટા આયોજનો રણકાર અને ખોડાભાનાં છે. એ ઉપરાં શહેરનાં અંબાજી નેળીયાની તિરૂપતિનગર ભાગ 1અને 2,પ્રાર્થના રેસિડેન્સિ, શૈલજા, ભૈરવનગર, પાંજરાપોળ, રાજવી, યશનગર, જયવીર સોસાયટી તરફથી 10 માગણીઓ મળી છે. જેનો વીજલોડ 96 કે.વી.નો થવા જાય છે. પાટણની વીજ કંપની દ્વારા એક કી.વો. માટે રૂ. 10,000, બે ફિવો. માટે રૂ. 20000અને ત્રણ કિવો.ના વધારાનાં ટેમ્પરરી લોડ માટે રૂ. 15 થી 30 હજારની ડયુટી વસૂલ કરે છે.