Fake Marksheet Admission Scam In Surat: રાજ્યમાં હવે નકલી માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં ત્રણ વર્ષમાં 62 વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટ-ડિગ્રીના આધારે એડમિશન લેતા તેમના પ્રવેશ રદ કરાયા છે. આ 62 વિદ્યાર્થીઓમાંથી એક બોગસ વિદ્યાર્થીએ તો 2 વર્ષ સુધી MBBSનો અભ્યાસ કર્યો, બીજાએ LLBનો અભ્યાસ પૂર્ણ પણ કરી લીધો તો ત્રીજાએ B.Com.માં પ્રવેશ લઈ અભ્યાસ ચાલુ કરી દીધો હતો.
મળતી માહિતી અનુસાર, યુનિવર્સિટી અન્ય રાજ્યોમાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટ ક્રોસ વેરિફિકેશન કરાવે છે, જેમાં આ રેકેટ પકડાયું હતું. પકડાયેલી તમામ માર્કશીટ તામિલનાડુ, NIOS, કેરલા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ-અલગ સંસ્થાઓની હતી.
આ પણ વાંચો: ભરૂચમાંથી ઝડપાયો નકલી કિન્નર, અસલી કિન્નર અને સ્થાનિકોએ ચખાડ્યો મેથીપાક
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અને તેની સાથે સંકળાયેલી કોલેજોમાં દર વર્ષે 70 હજાર વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે. જેમાંથી લગભગ 6થી 7 હજાર વિદ્યાર્થીઓ અન્ય બોર્ડ કે યુનિવર્સિટીના હોય છે. ગુજરાત સેકન્ડરી બોર્ડ દ્વારા તેમના વિદ્યાર્થીઓની માહિતી પહેલાથી જ યુનિવર્સિટીને અપાતી હોય છે તેથી એડમિશન વખતે જ તેઓનું વેરિફેકેશન થઇ જતું હોય છે. પરંતુ અન્ય રાજ્યના બોર્ડ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા બાદ તેઓની પહેલાની યુનિવર્સિટી સાથે માર્કશિટનું વેરિફેકશન કરવામાં આવતું હોય છે.