દરિયાપારથી સોશિયલ મીડિયા પર એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે. ગુજરાતના પોરબંદરનો 21 વર્ષનો યુવાન તેને એક્સેપ્ટ કરે છે અને પછી તેની જિંદગી બરબાદ થઇ જાય છે. આજના સમયમાં સોશિયલ મીડિયા જેટલું સાર્થક છે એટલું જ ઘાતક પણ છે. પાકિસ્તાન સોશિયલ મીડિયા પર રૂપસુંદરીન
.
પોરબંદરનો દરિયા કિનારો પહેલેથી જ સંવેદનશીલ રહ્યો છે. ભૂતકાળમાં પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સ પકડાઇ ચૂક્યું છે. દાણચોરી થતી હોવાનું પણ અનેકવાર ખુલ્યું છે પણ આ વખતે અહીંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે. આ પાકિસ્તાની જાસૂસ ભારતીય માછીમાર છે પણ તેણે હની ટ્રેપમાં ફસાઇને પાકિસ્તાન ભારતની ગુપ્ત માહિતી આપી હતી.
આ માછીમાર યુવાન કેવી રીતે કહેવાતી રૂપસુંદરીની ચૂંગાલમાં ફસાયો? તેણે દુશ્મન દેશને કઇ-કઇ ગુપ્ત માહિતી મોકલી હતી? પોલીસને કેવી રીતે ખબર પડી? આ બધા પરથી પડદો ઊંચકાશે. દિવ્ય ભાસ્કરે જતીનના મોટાભાઇ ક્રિશલ સાથે વાતચીત કરી હતી. તેના ભાઇએ શું દાવો કર્યો તે જાણીએ તે પહેલા આ કેશ શું હતો તે જાણી લઇએ.
કેસ શું હતો?
ગુજરાત ATSએ 23મી તારીખે પોરબંદરમાં દરોડા પાડી સુભાષનગર વિસ્તારમાંથી જતીન ચારણીયા નામના માછીમારની ધરપકડ કરી હતી. જતીન પર ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપવાનો આરોપ હતો. જતીને વોટ્સએપ અને ટેલિગ્રામથી કોસ્ટ ગાર્ડ તેમજ અન્ય દરિયાકાંઠાની સંવેદનશીલ માહિતી આપી હતી.
જતીન અને એડવિકા પ્રિન્સ વચ્ચે ચેટિંગ થવા લાગી
જતીન ચારણીયા જાન્યુઆરી 2024થી એડવિકા પ્રિન્સ (Advika Prince)નામની ફેસબુક પ્રોફાઇલના સંપર્કમાં આવ્યો હતો. પોતે એક મહિલા હોવાનું જણાવી એડવિકા પ્રિન્સે જતીનની તમામ માહિતી મેળવી લીધી હતી. એડવિકાએ એ જાણી લીધું હતું કે જતીન પોરબંદરનો છે અને માછીમારી કરે છે. જતીન અને એડવિકા વચ્ચે વારંવાર ચેટિંગ થવા લાગી હતી. ધીરે ધીરે એડવિકાએ જતીન સાથે ગાઢ મિત્રતા કેળવી તેનો વિશ્વાસ જીતી લીધો હતો.
આરોપી જતીન ચારણીયા
એડવિકાએ જતીન પાસે કોસ્ટ ગાર્ડની ગુપ્ત માહિતી મગાવી
એક દિવસ એડવિકાએ જતીન પાસે કોસ્ટ ગાર્ડની ગુપ્ત માહિતી માગી હતી. જેથી જતીને ફેસબુક મેસેન્જર દ્વારા પોરબંદર જેટી અને શીપ કેટલીક વિગતો તેને મોકલી આપી હતી. આના પછી દરિયાનો, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની જેટીનો અને જેટી ઉપર ઊભેલી શીપનો વીડિયો બનાવીને એડવિકાને મોકલી આપ્યો હતો. હકીકતમાં આ એડવિકા કોઇ યુવતી નહોતી પણ પાકિસ્તાની જાસૂસ હતો.જેણે ફેક એકાઉન્ટ બનાવીને જતીનનો સંપર્ક કર્યો હતો. જેના પછી તેણે જતીનને હની ટ્રેપમાં ફસાવીને સંવેદનશીલ માહિતી મેળવી હતી.
દિવ્ય ભાસ્કરે જતીનના ભાઇ ક્રિશલ સાથે વાતચીત કરી હતી.
ક્રિશલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, મારો જન્મ થયો એ સમયથી અમે પોરબંદરમાં રહીએ છીએ. અમે માછીમારીના વ્યવસાયમાં છીએ. મારા માતા-પિતા મજૂરી કામ કરે છે. મારી ઉંમર 23 વર્ષની છે અને હું બીકોમનો અભ્યાસ કરી રહ્યો છું. અમે ચાર ભાઇઓ છીએ અને એક બહેન છે. જતીન મારાથી નાનો છે બીજા બે ભાઇઓ જતીનથી પણ નાના છે.
સામે કોઇ છોકરી હતી તેણે જતીનને ભોળવીને આવું કરાવ્યુંઃ ક્રિશલ
ક્રિશલે કહ્યું કે, હું જતીનનો મોટો ભાઇ છું. મારો ભાઈ જતીન 21 વર્ષનો છે અને ધોરણ 10માં નાપાસ થયેલો છે. તે દરિયામાં માછીમારી કરવા જતો હતો. અમે તો તેની આ પ્રવૃત્તિથી અજાણ હતા. સોશિયલ મીડિયામાં તેને એક રિકવેસ્ટ આવી અને જિંદગી બરબાદ થઈ ગઈ. સામે કોઇ છોકરી હતી જેણે તેને ભોળવીને આવું કર્યું. બાકી મારો ભાઇ દેશદ્રોહી પ્રવૃત્તિ કરી જ ન શકે. તેને આવી દેશદ્રોહી પ્રવૃત્તિ અંગે કંઇ સમજ પણ નથી.
જતીન 2 વર્ષથી માછીમારી કરતો હતો
તેણે ઉમેર્યું કે, જતીન તો હમણાં બે વર્ષથી દરિયામાં માછીમારી કરવાના કામે લાગ્યો હતો અને એક વર્ષથી બોટ ફેરીમાં લાગ્યો હતો. બાકી તે પીલાણી (હાથેથી ચલાવવાની નાની બોટ)માં જતો હતો. અત્યારે તો અમારા ઘરમાં તકલીફ છે. ઘરનું કોઇ વ્યક્તિ સરખું જમતી નથી. અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. દાદા-દાદી બીમાર છે.
પોલીસે જતીનની ધરપકડ કરી હતી ત્યારની તસવીર
જતીને અજાણતામાં આ કામ કરેલું છેઃ ક્રિશલ
ક્રિશલે જણાવ્યું કે, મારા ભાઈ જતીનને આવો તો ખ્યાલ જ ન હતો કે આ વસ્તુ કરવાથી શું થાય. તેણે અજાણતા આ કામ કરેલું છે. જાણી જોઈને કરેલું નથી. સામેવાળી વ્યક્તિ કોણ હતી એ પણ તેને નથી ખબર. જતીને તો જસ્ટ ફ્રેન્ડ તરીકે તેની સાથે વાત કરી હશે. જતીનને એમ હતું કે નોર્મલ હશે. જેમ અન્ય સામાન્ય લોકો બધું પોસ્ટ કરતા હોય એમ તેણે પોસ્ટ કર્યું હતું. તેને આ વાત ની ગંભીરતા જ નહતી.
થોડા પૈસાની લાલચમાં જતીન ભોળવાઇ ગયો
તેણે વધુમાં કહ્યું કે, ઘરમાં અમને કોઇને તેની આ પ્રવૃત્તિ વિશે કંઇ જ ખબર નહતી. જો અમને ખબર હોત તો અમે તેને રોકતને. જતીનને કાયદા કાનૂનની ખબર ન હોય પણ અમને તો ખબર હોય ને. કોઇ અજાણી વ્યક્તિને આવી સંવેદનશીલ માહિતી શેર કરવાથી શું થાય તેની તેને ખબર ન હોય. હું તો ભણેલો છું એટલે મને પ્રાથમિક નોલેજ હોય પણ જતીન તો અભણ છે એટલે એ જાણતો ન હોય કે નેવીની આવી વાતો શેર કરવાથી શું પરિણામ આવે. થોડા પૈસાની લાલચમાં મારો ભાઇ ભોળવાઇ ગયો, છેતરાઇ ગયો.
જતીને કહ્યું હતું કે મને કોઇ વાતની ખબર નથી
ક્રિશલ કહે છે કે, અમારે ખાવાના તૂટે છે. માતા પિતા મજૂરી કરે અને મને ભણાવે છે. માંડ માંડ અમારૂં ગુજરાન ચાલે છે. ઉપરથી આવી તકલીફો આવી પડી હવે જવું ક્યાં? ATS માંથી ફોન આવ્યો હતો કે તમે આવી જજો. અમે SOGમાં જતીનને લાવીશું. જતીન એક વખત કોર્ટમાં મળ્યો હતો. એ સમયે તેણે મને કહ્યું હતું કે મને કોઇ વાતની ખબર નથી. અજાણતાં જ બધુ થઇ ગયું છે. પૈસાની થોડી લાલચ મળી એટલે મેં આ કર્યું.
જતીનને ટુકડે ટુકડે 6 હજાર રૂપિયા મળ્યા હતા
પોતાના ભાઇ જતીનનો બચાવ કરતાં ક્રિશલ કહે છે કે, જતીનને કુલ 6 હજાર રૂપિયા મળ્યા હતા. 2 હજારના ટુકડા-ટુકડામાં 3 વખત મળ્યા હતા. ફક્ત 6 હજાર રૂપિયા માટે કોઇ માણસ આવું ન કરે, સીધી લાખો રૂપિયાની વાત હોય તો જ તે કોઇ આવું કરે. મારા ભાઇએ પૈસાની લાલચમાં જ આવું કર્યું છે.
ગુજરાત એટીએસ
ભારતની બેન્કમાંથી જતીનને 6 હજાર રૂપિયા ચૂકવાયા
ATSની તપાસમાં ખુલ્યું કે એડવિકાએ જતીનને ટુકડે ટુકડે કુલ 6 હજાર રૂપિયા મોકલાવ્યા હતા. પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જતીનને ભારતના સ્થાનિક બેંક એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
વ્હોટ્સએપ, ફેસબુક મેસેન્જર અને ટેલિગ્રામથી ચેટ થતી હતી
પહેલા જતીન અને એડવિકા વચ્ચે વ્હોટ્સએપ પર ચેટ થઇ હતી. આ વોટ્સએપ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થતું હોવાનું ગુજરાત ATSની તપાસમાં ખુલ્યું છે. જતીનને પૈસા મોકલાયા બાદ એડવિકાએ તેને ટેલિગ્રામ પર ચેટ કરવાનું કહ્યું હતું. જેથી જતીન તેની સાથે ટેલિગ્રામ પર ચેટ કરવા લાગ્યો હતો. એડવિકા અને જતીન વચ્ચે ફેસબુક મેસેન્જર અને ટેલિગ્રામ પર ચેટ થતી હતી. જે પ્રાઇવસી સેટિંગ્સ મુજબ 24 કલાકમાં ઓટો ડિલીટ થઇ ગઇ હતી.
પાકિસ્તાનથી વ્હોટ્સએપ એકાઉન્ટ ઓપરેટ થતું હતું
એડવિકાએ જતીનને નવું સીમ કાર્ડ ખરીદવાની સૂચના આપી હતી. જતીને તેની સૂચના મુજબ નવું સીમ કાર્ડ ખરીદીને તે નંબરથી વ્હોટ્સએપ શરૂ કર્યું હતું અને આ નંબરનો ઓટીપી તેણે એડવિકાને આપ્યો હતો. જેથી આ વ્હોટ્સએપ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થતું હતું.
ATSને કેવી રીતે જાણ થઇ?
પાકિસ્તાનથી સોશિયલ મીડિયા દ્વારા ભારતીય યુવકોને હની ટ્રેપમાં ફસાવી વ્હોટ્સએપથી સંવેદનશીલ માહિતી મેળવવામાં આવતી હોવાની કડી પોલીસને મળી હતી. સૌથી પહેલા ગુજરાત ATSના PI પી.બી.દેસાઇને જતીન અંગે ગુપ્ત બાતમી મળી હતી. તેમને જાણવા મળ્યું હતું કે જતીન દુશ્મન દેશ પાકિસ્તાનને કોસ્ટગાર્ડની ગુપ્ત માહિતી મોકલે છે અને બદલામાં રૂપિયા કમાય છે. જેના પછી પી.બી.દેસાઇએ ATSના ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરી હતી.