છેલ્લા નવ મહિનાથી ફાયર સુવિધા નહી હોવાના કારણે બંધ રહેલ શહેરના યશંવતરાય નાટ્યગૃહના દ્વાર ફરી ખુલ્લી રહ્યા છે. કાર્યક્રમના આયોજકોને નાટ્યગૃહના મેનેજર તરફથી સોમવારથી બુકીંગ શરૂ કરવા અંગેની સુચના આપતા કલાકરોમાં હર્ષ ફેલાયો છે.
.
ભાવનગરનું યશવંતરાય નાટ્યગૃહ અગાઉ રીનોવેશન માટે ચાર વર્ષ જેવો લાંબા સમય સુધી બંધ રહ્યું હતું. ભાવનગરના કલાકારો અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીની જહેમત બાદ યશવંતરાય પુન: શરૂ થયું હતું પણ નવ મહિના પહેલા ફાયર એનઓસી નહીં હોવાને કારણે આ નાટ્યગૃહનો પડદો ફરી પડી ગયો હતો.ભાવનગરના કલાકારોની વારંવારની રજૂઆત છતા ફાયર એન.ઓ.સી.નું કામ ટલ્લે ચડ્યું હતું આ અંગે ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી ઉપરાંત ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પણ આ મામલો સંકલન સમિતિની બેઠકમાં ઉઠાવતા તંત્રની ઊંઘ ઉડી હતી.
નવ મહિનાના કપરા કાળ બાદ યશવંતરાય ફરી શરૂ થઇ રહ્યું છે. રીનોવેશન અને ફાયર સેફ્ટીના સાધનો માટે કુલ અંદાજે પોણા બે કરોડના ખર્ચા બાદ આ નાટ્યગૃહ આગામી સપ્તાહથી પુન:ધમધમતુ થઇ જશે.
આ નાટ્યગૃહને પુન:શરૂ કરાવવા માટે દોલત પરમાર, જીતુ જેક્શન, ડો.કુવાડીયા, અંબાલાલ પટેલ, પ્રણવ ભટ્ટ, કલ્પેશ ભડિયાદ્રા, ધનુષ જાડેજા, જગતભટ્ટ, હિમાંશુ ભટ્ટ, રાજેન્દ્ર ઓઝા, સુદેશ પરમાર, દેવેશ ડોડિયા, કુશલ દિક્ષીત, ચિંતન પંડ્યા સહિતના કલાકારો અને આયોજકોએ જહેમત ઉઠાવી હતી.
કલાનગરી ભાવનગરના અનેક કલાકારોને યશવંતરાય નાટ્યગૃહએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પુરૂ પાડ્યુ છે ત્યારે હવે યશવંતરાય શરૂ થતા કલાકારોમાં પણ આનંદની લાગણી ફેલાયેલી છે.