વડોદરાઃ છાણીની વસંતતારા સ્કાઇઝ નામની સાઇટના બાંધકામ દરમિયાન બાજુની સત્વ પ્રાઇમ ફ્લેટ્સની દીવાલ ધરાશાયી થતાં ૪૦ પરિવારો બહાર રહેવા મજબૂર બન્યા છે.જે બનાવમાં છાણી પોલીસે આજે બંને સાઇટનું પંચનામું કરી કોર્પોરેશન પાસે બંને સાઇટની તમામ ડીટેલ માંગી છે.
છાણી રામાકાકાની દેરી પાસે આવેલી સત્વ પ્રાઇમ ફ્લેટ્સમાં પાંચ ટાવર આવેલા છે.જેની બાજુમાં બની રહેલી ૧૪ માળની વસંતતારા સ્કાઇઝ નામની સાઇટના ખોદકામ દરમિયાન સત્વ પ્રાઇમની કમ્પાઉન્ડ વોલ તૂટી જતાં જી અને ઇ ટાવરને ખાલી કરાવવામાં આવ્યા હતા.
બનાવને પગલે ફાયર બ્રિગેડ,છાણી પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ દોડી આવ્યા હતા.સારાનશીબે કોઇ જાનહાનિ થઇ નહતી.
છાણી પોલીસે આજે પંચનામું કરીં ૧૦ મીટર લાંબી અને ૪ મીટર ઉંચી દીવાલ કેવી રીતે ધસી પડી તે જાણવા ફોરેન્સિકની પણ મદદ લીધી હતી.જો કે આ અંગે હજી સુધી કોઇ ગુનો નોંધાયો નથી.
દીવાલ ધરાશાયી થતાં યુવકથી 15 સેકન્ડ મોત છેટું રહ્યું
સત્વ પ્રાઇમ ફ્લેટ્સની કમ્પાઉન્ડ વોલ તૂટી પડતાં ત્યાંથી પસાર થતા એક યુવકનો વીડિયો વાયરલ થયો છે.
સત્વ પ્રાઇમની કમ્પાઉન્ડ વોલ પહેલાં પાર્કિંગ સાઇટનો એક ભાગ નીચે બેસી ગયો હતો.ત્યારબાદ એક સેકન્ડમાં કમ્પાઉન્ડ વોલ તૂટી પડી હતી.
વાયરલ થયેલા વીડિયોમાં આ દ્શ્ય નજરે પડે છે.ત્યાર પહેલાં એક યુવક પગપાળા પસાર થતો દેખાય છે.તે પસાર થઇ ગયા બાદ માંડ ૧૫ સેકન્ડ બાદ દીવાલ તૂટતી નજરે પડે છે.