કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની સ્થાપના બાદ પહેલીવાર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જેમાં મુલાકાતીઓ હવે પાંજરામાં જઈને દેશ-વિદેશના પક્ષી જોઈ શકશે. અત્યારે પાંજરાની બહાર ઊભા રહીને પક્ષીઓ જોવા પડે છે. વર્ષો જૂના પાંજરા તૂટી ગયાં કે કાટ ખાઈ ગયાં છે. જેથી નવા
.
હાલમાં નાના પાંજરાઓમાં પક્ષીઓ રહે છે. જે નાની જગ્યા હોવાથી પક્ષીઓ બરાબર ઉડી નથી શકતા અને મુલાકાતીઓ બરાબર જોઈ પણ શકતા નથી. જેથી જુના જર્જરિત થઈ ગયેલા પક્ષી ઘરોને એક પછી એક તોડીને નવી મોટી એવિયરી બનાવાશે. આ નવી એવિયરી કેવી હશે? પ્રાણી સંગ્રહાલયમાં એવિયરી કેવી રીતના બનશે? એવિયરી બન્યા બાદ પ્રાણી સંગ્રાહલય કેવું દેખાશે તે જાણવા માટે અમદાવાદના કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં ભાસ્કરની ટીમ પહોંચી હતી.
શું હોય છે માસ્ટર પ્લાન? દરેક પ્રાણી સંગ્રહાલય માટે 10 વર્ષનો એક માસ્ટર પ્લાન બનતો હોય છે. જેમાં ઝૂને કેવી રીતે મેઈન્ટેન કરવું? 10 વર્ષ સુધી કેવી રીતે ડેવલપ કરવું? આવી તમામ બાબતો આ માસ્ટર પ્લાનમાં તૈયાર કરવામાં આવે છે. આ માસ્ટર પ્લાન દિલ્હીથી મંજૂર થતો હોય છે જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્નમેન્ટ એન્ડ ફોરેસ્ટ અંતર્ગત આવે છે. ઝૂમાં કોઈ અધિકારીનું ટ્રાન્સફર પણ થઈ જાય તો નવા આવેલા અધિકારીને પણ 10 વર્ષના માસ્ટર પ્લાન મુજબ જ કામગીરી કરવાની હોય છે.
માસ્ટર પ્લાનના આધારે જ ઝૂનો વિકાસ થશે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના માસ્ટર પ્લાનના 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. નવા માસ્ટર પ્લાન માટે ટૂંક સમયમાં કામગીરી શરુ થઈ જશે અને લગભગ 6 મહીનાથી 1 વર્ષમાં નવો માસ્ટર પ્લાન બની જશે. તેના આધારે જ ઝૂનો આગળનો વિકાસ થશે. છેલ્લા 10 વર્ષના માસ્ટર પ્લાનમાંથી નાઈટ ઝૂ, બટર ફ્લાય પાર્ક સહીતના કામો થઈ ગયા છે. માસ્ટર પ્લાનમાં પક્ષીઓના પાંજરાની (એવિયરી) બનાવવાની રહી ગઈ છે. જેનું ટેન્ડર હવે બહાર પડી ગયું છે. જેમાં નવા કન્સલટન્ટ આર્કિટેકની નિમણૂંક કરવાની છે, જે કાંકરિયા ઝૂના અધિકારીઓ સાથે બેસીને ડીઝાઈન તૈયાર કરશે.
તબક્કાવાર બનાવાશે મોટા પાંજરા પશુ-પક્ષીઓની જરુરીયાત મુજબના મોટા પાંજરા બનાવીને એવિયરી બનાવવામાં આવશે. જે તબક્કાવાર અલગ અલગ ફેઝમાં બનશે. હાલમાં નાના પાંજરાઓમાં પક્ષીઓ રહે છે જે નાની જગ્યા હોવાથી બરાબર ઉડી નથી શકતા અને કુદરતી વાતાવરણમાં લોકો બરાબર નિહાળી પણ નથી શકતા. જ્યારે એવિયરી બનશે ત્યારે મુલાકાતીઓ પાંજરા અંદર જશે અને કુદરતી વાતાવરણમાં પક્ષીઓને જોઈ શકશે.
નવું સરિસૃપ ગૃહ.
કાંકરિયા પ્રાણી સંગ્રહાલય પક્ષીઓના બ્રિડીંગ માટે હોટ ફેવરિટ તેની સાથે સાથે પક્ષીઓને મોટી જગ્યા મળવાથી બરાબર ઉડી પણ શકશે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલય પક્ષીઓના બ્રિડીંગ માટે હોટ ફેવરિટ છે. જેમાં પેલીકનના બચ્ચાં થાય છે આ સિવાય સ્પૂન વિલ, નાઈટ હેરોન, આઈબિઝસ, લવબર્ડ, નાની સ્પેરો અને પેરોટ સહીત અનેક પક્ષીઓના અને પ્રાણીઓના બચ્ચા કાંકરિયા ઝૂમાં થાય છે. કાંકરિયા ઝૂમાં પેદા થતા બચ્ચા અન્ય ઝૂમાં અપાય છે તેના બદલામાં ત્યાંથી અન્ય પ્રાણી કાંકરિયા ઝૂમાં લવાતા હોય છે. આ પ્રકારની આખી એક ચેઈન ચાલતી હોય છે.
સિંહ, વાઘ અને રીંછના નવા પાંજરા બનાવી દેવાયા કાંકરિયા ઝૂમાં નવી એવિયરી બનવા બાબતે દિવ્ય ભાસ્કરની ટીમે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સુપ્રિટેન્ડન્ટ આર.કે.સાહુ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કાકંરીયા પ્રાણી સંગ્રહાલય 1951થી ચાલું છે. આ ઝૂમાં મોટા ભાગના પાંજરા આઉટડેટેડ થઈ ગયા છે. જેને વન બાય વન અપગ્રેડ કરાયા છે. જેમાં સિંહ, વાઘ અને રીંછના નવા પાંજરા બનાવી દેવાયા છે. જેમાં નવો સરિસૃપ ગૃહ પણ બનાવ્યો છે. આ સિવાય બટર ફ્લાય પાર્ક અને નોકટરનલ ઝૂ બનાવી દેવાયો છે.
હવે પક્ષીઓ માટે એવિયરી એટલે કે નવા પાંજરા બનાવવાના છે. આ પાંજરા ક્લાસિફિકેશન વાઈઝ જે વોટર બર્ડ, લો ફ્લાયર, મીડિયમ ફ્લાયર, હાયર ફ્લાયર સહીતના પક્ષીઓ અલગ અલગ જગ્યાએ એકબાજુ મુકાશે. જેથી કોઈ પક્ષીને તકલીફ નહીં પડે.
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સુપ્રિટેન્ડન્ટ આર.કે.સાહુ
આ પ્રક્રિયા બાદ થશે મોટા પાંજરા બનાવવાનો અમલ આ એવિયરીમાં જ્યારે મુલાકાતીઓ પ્રવેશ કરશે ત્યારે કોઈપણ પ્રકારના પાંજરા વગર તેઓ પક્ષીઓને નજીકથી જોઈ શકશે અને પક્ષીઓને કોઈ હેરાનગતિ પણ નહીં થાય. જેના માટે AMCના કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, રી-ક્રીએશન કમિટીના ચેરમેન સહીતના અધિકારીઓએ રસ દાખવીને ડીઝાઈનિંગ માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે. ટેન્ડરની અંદર એવિયરીની ડિઝાઈન બનશે. જેને બાદમાં દિલ્હી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી સમક્ષ મુકવામાં આવશે. બાદમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી મળ્યા બાદ તેનો અમલ કરવામાં આવશે. આ સંપૂર્ણ એવિયરીની કામગીરી કરવામાં લગભગ 2 વર્ષ લાગશે. કાંકરિયા ઝૂમાં એવિયરી બન્યા બાદ લોકો માટે એક નવું નજરાણું ઉભું થશે.
ગરમીને ધ્યાનમાં રાખી પાંજરાની ડિઝાઇન તૈયાર કરાશે ઝૂમાં તૈયાર થનારી ડિઝાઇન મુજબ અમદાવાદની આકરી ગરમીને ધ્યાનમાં રાખી પક્ષીઓને પૂરતી ઠંડક મળી રહે તેની કાળજી લેવાશે. આ ઉપરાંત લોકો પાંજરામાં આવે તો પક્ષીઓના રોજિંદા જીવનને કોઈ ખલેલ ન પહોંચે, ભેજને કારણે પક્ષીને બેક્ટેરિયાનો ચેપ ન લાગે તેની કાળજી લેવાશે. લોકોને સેનિટાઇઝ કરી પ્રવેશ આપવામાં આવશે. જમીન અને પાણીમાં રહેનારા પક્ષીઓની સાથે માંસાહારી પક્ષીઓ માટે અલગ ડોમ તૈયાર કરાશે. જે પક્ષી વધુ ઊંચાઈએ ઉડે છે, તેમના માટે ખાસ ડોમ તૈયાર કરાશે. પક્ષી ઊંચાઈ પર માળો બાંધી શકે તે રીતે વૃક્ષોનો ઊછેર પણ કરવામાં આવશે.
આ જગ્યાએ બનશે પક્ષીઓ માટેનું મોટું પાંજરું.
કાંકરિયા ઝૂમાં અંદામાનના નિકોબાર કબૂતર કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ખાસિયત એ છે કે અહીં અંદમાનમાં જોવા મળતા નિકોબાર કબૂતરના બચ્ચા થાય છે. આ નિકોબાર કબૂતરના બચ્ચાં ફક્ત આપણે ત્યાં થાય છે. અહીં ઝૂમાં રહેલો એનાકોન્ડા શ્રીલંકાએ ગિફ્ટમાં આપ્યો હતો. વર્ષ 2008-09ની આસપાસ શ્રીલંકાના ઝૂમાં સારી કામગીરી કેવી રીતના થઈ શકે તેની માહીતી કાંકરિયા પ્રાણી સંગ્રહાલયે આપી હતી. જેના વળતરમાં તેઓ રુપિયા આપતા હતા. પરંતુ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સુપ્રિટેન્ડન્ટ આર.કે.સાહુએ રુપિયા લેવાની ના પાડતા પ્રાણી સંગ્રાહલય માટે 4 એનાકોન્ડા લીધા હતા.
કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ક્યારે અને કેવી રીતે ડેવલપ થતું રહ્યું? અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 1990 સુધી એકપણ ઓપન એન્ક્લોઝર બનાવ્યા નહીં. સૌથી પહેલા 1995માં વાઘ માટે ઓપન એન્ક્લોઝર બનાવાયું હતું. વર્ષ 2000માં સિંહ માટે ખુલ્લું પાંજરુ બનાવાયું, પછી 2003માં રીંછ માટે ખુલ્લું પાંજરુ બનાવાયું, 2005માં પ્રાણીઓ માટે એક મોટી હોસ્પિટલ બનાવવામાં આવી, 2009માં ભારતનું સૌથી મોર્ડન રેપ્ટાઈલ હાઉસ બનાવવામાં આવ્યું અને 2012માં દેશનો પ્રથમ ઓપન ટાઈપ બટર ફ્લાય પાર્ક બનાવ્યો. જેમાં 36 પ્રકારના અલગ અલગ પતંગિયા છે.
ભારતના પ્રાણી સંગ્રહાલયનો ઈતિહાસ 200 વર્ષ કરતા પણ વધારે જુનો છે. પરંતુ વન્ય પ્રાણીઓનું સંરક્ષણ ન થતા કેટલાક નીતિ નિયમો બનાવવા પડ્યા. જેમાં 1992માં બનેલી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઈન અને 1998માં બનેલી નેશનલ ઝૂ પોલિસી મુજબની તમામ કામગીરી હવે પ્રાણી સંગ્રહાલયમાં થઈ રહી છે.
બાળકો સાથે પ્રવાસે આવેલા શેરોન મેકવાન.
શહેરોમાં જ કેમ હોય છે ઝૂ? પ્રાણી સંગ્રહાલય મોટા ભાગે શહેરમાં જોવા મળતા હોય છે. તેની પાછળનું કારણ છે શહેરના બાળકોને વન્ય પ્રાણીઓ જોઈ શકતા ન હોવાથી તેમને વન્ય પ્રાણીઓની કોઈ ખાસ જાણકારી હોતી નથી. જેથી તેમનામાં જાગૃતિ લાવવા માટે મોટા ભાગે શહેરમાં પ્રાણી સંગ્રહાલય જોવા મળતા હોય છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આવતા મુલાકાતીઓ પણ ખુશ થઈ જાય છે. કારણ કે અહીં જોવા મળતા અલગ અલગ પ્રાણી, પક્ષીઓ દરેક જગ્યાએ નથી જોવા મળતા જેથી અહીં દરેક વ્યક્તિએ એક વાર તો આવવું જ જોઈએ.