અમદાવાદ, ગુરૂવાર
શહેરના ચંડોળા તળાવ આસપાસના વસાહતમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રહે છે. ક્રાઇમબ્રાંચે ગુગલ અર્થની ટેકનોલોજીની મદદથી એનાસીલીસ કરીને કરેલી કાર્યવાહીમાં ૨૦૦ જેટલા શકમંદોની પુછપરછ કરી હતી. જેમાં ૪૮ જેટલા બાંગ્લાદેશી નાગરિકોને બનાવટી દસ્તાવેજો સાથે ઝડપીને કાર્યવાહી કરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓને બાતમી મળી હતી કે ચંડોળા તળાવ, સરદારનગર, કુબેરનગર, નરોડા પાટિયા વિસ્તારમાં છેલ્લાં ઘણ સમયથી ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી નાગરિકો આવીને મોટાપ્રમાણમાં રહેવા લાગ્યા છે. જે બાતમીને આધારે ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને ૧૦૦થી વધુ મહિલાઓ અને સગીરા સહિત ૨૦૦ શંકાસ્પદ લોકોની અટકાયત કરીને તપાસ શરૂ કરી હતી. જેમાં ૪૯ બાંગ્લાદેશી નાગરિકો બનાવટી દસ્તાવેજ સાથે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. આ નાગરિકોમાં ૩૨ પુરૂષો , ૮ મહિલા અને છ સગીરાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, પોલીસે વધુ ૨૫૦ શકમંદોની પુછપરછ શરૂ કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું સગીરાને બાંગ્લાદેશમાંથી એજન્ટની મદદથી ગુજરાતમાં લાવીને ભીખ માંગવા તેમજ દેહ વ્યાપારમાં ધકેલવામાં આવી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચના એસીપી ભરત પટેલે કહ્યું હતું કે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા માટે આગામી દિવસોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.
ચંડોળા તળાવ આસપાસની વસાહત અંગે જાણવા પોલીસે ગુગલ અર્થ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો
ચંડોળા તળાવની આસપાસમાં ગુજરાતની સૌથી મોટી વસાહત ઉભી થઇ છે. જેમાં હજારો લોકો બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે આવીને સ્થાયી છે. ચંડોળા તળાવની આસપાસની વધતી જતી વસાહત અંગે સર્વે કરવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ગુગલ અર્થની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જેમાં ૨૦૧૧ની ચંડોળા તળાવની ઇમેજ અને ૨૦૨૪ની ચંડોળા તળાવની ઇમેજને મેચ કરી ત્યારે ૭૦ ટકા જેટલા વિસ્તારમાં ગેરકાયદેસર વસાહત ઉભી થઇ છે. જે ઇમેજના આધારે પોલીસે પ્લાન કરીને શંકાસ્પદ સ્થળો પર કાર્યવાહી શરૂ કરી છે. જે આગામી સમયમાં ચાલુ રહેશે.
બાંગ્લાદેશીઓને પકડવા પોલીસ નિયમિત કાર્યવાહી ન કરતી હોવાને કારણે હજારો લોકો ગેરકાયદેસર રીતે વસ્યા
અમદાવાદમાં ચંડોળા તળાવનો વિસ્તાર ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની સૌથી મોટી વસાહત બની ગયો છે. જ્યાં દિવસને દિવસે વસ્તી વધી રહી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્પેશીયલ ઓપરેશન ગુ્રપ દ્વારા ચંડોળા તળાવની આસપાસમાં અનેકવાર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ, પોલીસની નિયમિત કામગીરી ન હોવાને કારણે બાંગ્લાદેશીઓની વસાહતમાં હજારો લોકો ગેરકાયદેર રીતે આવીને વસ્યા છે. ખાસ કરીને ડ્ગ્સ, આતંકવાદ કનકેશન, સગીરા અને યુવતીઓને દેહવ્યપારમાં ધકેલવા જેવા અનેક ગુના કેટલાંક ગેંગ દ્વારા આચરવામાં આવે છે.