૬ જાન્યુઆરીથી અમદાવાદ બુકફેરનો આરંભ, ૯ જાન્યુઆરીએ વડાપ્રધાનના રોડ શોને લઈ તંત્રની તૈયારી
Updated: Jan 5th, 2024
અમદાવાદ,ગુરુવાર,4
જાન્યુ,2024
૬ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી-૨૩ સુધી અમદાવાદના તમામ બ્રિજ,રસ્તા અને ઈમારતો
રોશનીથી ઝળહળતા જોવા મળશે.૬ જાન્યુઆરીથી અમદાવાદ બુકફેરનો આરંભ થશે.૯ જાન્યુઆરીએ
વડાપ્રધાનનો રોડ શો યોજાવાનો હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર તરફથી તમામ
તૈયારીઓને અંતિમ ઓપ આપવામા આવી રહયો છે. ૨૬ જાન્યુઆરી સુધી અમદાવાદને ઝળહળતુ રાખવા
પાછળ મ્યુનિ.તંત્ર તરફથી રુપિયા ૧.૨૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
જી.એમ.ડી.સી.ખાતે નવમા બુકફેરને રાજયના મુખ્યમંત્રી સવારે ૯
કલાકે ખુલ્લો મુકશે.બપોરના ૧૨થી રાત્રિના ૧૦ કલાક સુધી આ બુકફેરમાં કોઈપણ વ્યકિત
વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકશે.આ બુકફેરમાં વિવિધ પ્રકાશકોના અંદાજે ૧૪૦થી વધુ
સ્ટોલ રાખવામા આવ્યા છે.મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના બાળકો દ્વારા બનાવવામા આવેલી
વિવિધ ચીજોને ધ્યાનમાં લઈ બાળકો માટે પણ એક સ્ટોલ રાખવામા આવ્યો છે.મુલાકાતીઓ માટે
ફ્રી વાહન પાર્કિંગ ઉપરાંત ફુડ કોર્ટ અને સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામા આવ્યા
છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહયુ,આ બુકફેર
૬થી ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાશે.જેમાં
જાણીતા સાહિત્યકારોના બપોરે ૧૨થી ૩ કલાક દરમિયાન જ્ઞાાનગંગા નામથી વર્કશોપ
યોજાશે.ઉપરાંત સર્જક સંવાદ પણ આયોજિત કરાશે.બુક ફેરમાં ત્રિવેણી શિર્ષક અંતર્ગત
લોકસાહિત્ય,હાસ્ય
અને મુશાયરા જેવા કાર્યક્રમ પણ યોજાશે.ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ અંતર્ગત સોમથી
શુક્રવાર દરમિયાન બપોરે ૨.૩૦થી ૫ કલાક દરમિયાન અને શનિ તથા રવિવારે બપોરે ૧૨થી ૨
કલાક દરમિયાન અલગ અલગ દેશોની એવોર્ડ વિનિંગ ફિલ્મ દર્શાવવામા આવશે.રાજય સરકાર
દ્વારા વાઈબ્રન્ટ સમિટ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યુ છે.સમિટમાં દેશ-વિદેશમાંથી
મોટી સંખ્યામાં નેતાઓ અને ડેલિગેટસ આવવાના છે.આ બાબતને ધ્યાનમાં રાખીને શહેરની
શોભા વધારવા આવેલા તમામ બ્રિજ,મુખ્ય
રસ્તાઓ, સર્કલ, કનેકટિંગ રોડ તથા
ઈમારતોને રોશનીથી ઝળહળતા રાખવા અંદાજે રુપિયા ૧.૨૫ કરોડ સુધીનો ખર્ચ કરી
કામગીરી કરવા મે.કર્ણાવતી લાઈટ એન્ડ
સાઉન્ડ તથા મે.એસ.પી.ઈલેકટ્રીકને કોન્ટ્રાકટ પાસે પેપર કર્યા સિવાય કામગીરી કરાવવા માટે સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા તાકીદની
દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી ૯ જાન્યુઆરીએ વડાપ્રધાનનો રોડ શો
૧૦ મી ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર
મોદી રાજયની મુલાકાતે આવશે.તેમની આ મુલાકાત સમયે અમદાવાદ એરપોર્ટથી ગાંધીઆશ્રમ
સુધી ભવ્ય રોડ શોનુ આયોજન કરવામા આવ્યુ છે.વડાપ્રધાનના રોડ શોમાં આવતા સમગ્ર રુટ
ઉપર કરવાપાત્ર થતી કામગીરી ઉપરાંત મંડપ-ડેકોરેશન.સાઉન્ડ સિસ્ટમ,સાંસ્કૃતિક
કાર્યક્રમની સાથે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી સહિતની અન્ય તમામ કામગીરી
મ્યુનિ.તંત્ર તરફથી કરવા મ્યુનિસિપલ કમિશનરને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુરી
આપવામા આવી છે.