Road Accident: ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે અકસ્માતની બે ઘટનાઓ બની છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક મુસાફરોથી ભરેલી એક ખાનગી બસમાં આગ લાગી હતી. જેના કારણે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી દુર્ઘટનામાં અમદાવાદથી દેવભૂમિ દ્વારકા જતી એક ખાનગી બસ દ્વારકા નજીક પલટી હતી. જેમાં 20 જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
સુરતથી ઉદયપુર જતી બસમાં અચાનક આગ લાગી
સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજનાં કતપુર ટોલ પ્લાઝા નજીક સુરતથી ઉદયપુર જઈ રહેલી મુસાફરોથી ભરેલી એક ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, સમય રહેતા તમામ મુસાફરો બસમાંથી ઉતરી જતાં જાનહાનિ ટળી હતી.પરંતુ બસ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને ટ્રાફિક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે લગ્ન પ્રસંગનાં મહેમાનોને લઈ આ બસ સુરતથી ઉદયપુર જઈ રહી હતી. આગ લાગવાના કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો ચમકારો ઘટ્યો, અમદાવાદમાં 32.4 ડિગ્રી સાથે તાપમાનમાં વધારો
દેવભૂમિ દ્વારકા જતી બસને અકસ્માત નડ્યો
અમદાવાદથી દ્વારાકા જતી ખાનગી બસને કુરંગા ચોકડી નજીક અકસ્માત નડ્યો હતો. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી. આ બસમાં સવાર 20 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. જેમને ઈમર્જન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે દ્વારકાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 4થી 5 લોકોને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે.