અમદાવાદ,સોમવાર
ખોખરામાં અનુપમ સિનેમા પાસે બે વર્ષ પહેલા અકસ્માતમાં યુવકનું મોત થયું હતું જેની અદાવત રાખીને ત્રણ શખ્સોએ યુવકને પાઇપના ફટકા મારીને ચાકુના ઘા માર્યા હતા અને પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, ગંભીર રીતે ઘાયલ યુવક હાલમાં એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મારા મારીથી કંટાળીને યુવક સરસપુરથી મકાન બદલીને અસારવા રહેવા ગયો હતો, હુમલો કરીને પોલીસ ફરિયાદ કરીશ તો મારી નાંખવાની ધમકી આપી
અસારવામાં ચમનપુરા ખાતે રહેતા યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં સરસુપરમાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક અને તેનો મિત્ર ગઇકાલે બપોરે ખોખરા અનુપમ સિનેમા પાસેથી ઘોડાગાડી લઇને પસાર થતાં હતા આ સમયે ફરિયાદી યુવક બગીમાં પાછળ બેઠેલો હતો. જ્યાં અનુંપમ સિનેમા પાસે ઘોડાગાડી આગળ રિક્ષા ઉભી રાખીને ત્રણ શખ્સો આવ્યા હતા.
ઘોડાગાડીમાં ચઢીને યુવકને પાઇપના ફટકા મારીને ચાકુના ઘા માર્યા બાદ ઢોર માર માર્યો હતો મિત્ર બચાવવા વચ્ચે પડતાં તેને પણ ઢોર માર માર્યો હતો. બુમાબુમ થતાં આરોપી જતા જતા પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપીને નાસી ગયા હતા. ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ કરતાં બે વર્ષ પહેલા અક્સ્માત થતાં યુવકનુે મોત થયું હતું જેની અદાવત રાખીને હુમલો કર્યો હતો. જો કે અવાર નવાર આ મુદ્દે તકરાર થતાં ફરિયાદી યુવકે સરસપુરથી અસારવા રહેવા ગયો હતો.