Ahmedabad Fire : અમદાવાદ શહેરના માણેકચોક વિસ્તારમાં આવેલી માંડવીની પોળમાં આજે ગુરુવારે (3 એપ્રિલ, 2025) સવારે એક વાસણના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આજુબાજુના વિસ્તારોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે ગોડાઉનમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
અમદાવાદના માણેકચોક વિસ્તારમાં લાગી ભીષણ આગ
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ગીચ વિસ્તાર અને સાંકડી ગલીઓ હોવાના કારણે ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી હતી.
આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં 5 દિવસ ગરમીનો પારો રહેશે હાઇ, હીટવેવનું યલો-ઑરેન્જ એલર્ટ
આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને કારણે માણેકચોક વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ પણ આગ બુઝાવવાના પ્રયાસોમાં ફાયર બ્રિગેડને મદદ કરી હતી.