અમદાવાદ, સોમવાર
દાણીલીમડામાં રહેતો યુવક ઇદના તહેવાર નિમિત્તે ગઇકાલે રાતે ખરીદી કરવા માતાને રિક્ષામાં બેસાડીને ગયો હતો. જ્યાં રસ્તામાં ટ્રાફિક જામ હોવાથી રિક્ષા ચાલકે હોર્ન વગાડતા નજીકની દુકાનમાંથી બે ભાઈ સહિત ત્રણ લોકો આવ્યા અને વેપારીએ રિક્ષા ચાલકને છરીના ઘા મારતાં માથા અને ખભાના ભાગે ઇજા થઇ હતી ઉપરાંત લોખંડની પાઈપના ફટકા મારીને આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાયકલની દુકાન ધરાવતા બે સહિત ત્રણ લોકોએ રિક્ષા ચાલક ઉપર છરી, પાઇપથી હુમલો કરતાં એલ.જી. હોસ્પિટલમાં આઇસીયુંમાં સારવાર હેઠળ
દાણીલીમડામાં રહેતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ન્યું શાહઆલમ ખાતે રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ઇદના તહેવાર નિમિત્તે યુવક તેની માતાને રીક્ષામાં બેસાડીને બજારમાં ખરીદી કરવા નીકળ્યો અને દાણીલીમડામાં પ્રખ્યાત કેસરના ગલ્લા નજીક ખજૂરી રોડ પાસે પહોંચ્યો હતો. ત્યારે ટ્રાફિક જામ હોવાથી યુવકે રીક્ષાનો હોર્ન વગાડયો હતો.
ત્યાં આવેલી સાયકલની દુકાનમાંથી ઇમરાન આવ્યો અને કેમ હોર્ન વગાડે છે કરે છે કહીને ગાળો બોલીને માર મારી કરવા લાગ્યો હતો. એટલું જ નહી તેનો ભાઈ અને અન્ય સંબંધી આવીને ઉશ્કેરાઇને રિક્ષા ચાલક યુવકને ઢોર મારીને છરીના ઘા માર્યા હતા. બુમાબુમ કરતા આસપાસના લોકો ઉમટી પડયા હતા આ સમયે ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા. ત્યારબાદ ઘાયલ યુવકે સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં આઇસીયું વોર્ડમાં દાખલ કરતાં માથામાં ટાંકા લેવા પડયા હતા. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.