ત્રણ વર્ષ પહેલા થયેલી તકરારની અદાવતમાં હુમલો કરાયો
આજે તું બચી ગયો હવે પછી તું મને રસ્તામાં મળીશ તો જાનથી મારી નાંખીશ
Updated: Dec 12th, 2023
અમદાવાદ,મંગળવાર
ગોમતીપુરમાં ત્રણ વર્ષ પહેલા થયેલી તકરારમાં યુવક ઉપર છરીથી હુમલો કરાયો હતો જેમાં યુવકને છરીના આડેધડ સંખ્યાબંધ ઘા મારતા ગંભીર હાલતમાં તે શારદાબહેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આજે તું બચી ગયો હવે પછી તું મને રસ્તામાં મળીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને આરોપી ભાગી ગયો
આ કેસની વિગત એવી છે કે બાપુનગરમાં રહેતા યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં રખિયાલમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારે યુવક મોપેડ લઇને ગોમતીપુર વિસ્તારમાં ઔડાના મકાન પાસે આવેલા પાનના ગલ્લા પાસે ઉભો હતો આ સમયે આરોપી આવ્યો હતો
ત્રણ વર્ષ પહેલા યુવકના મિત્ર અને આરોપીના પિતા સાથે તકરાર થઇ હતી જેમાં જે તે સમયે આરોપીના પિતાએ યુવકના મિત્ર સામે ફરિયાદ કરી હતી અગાઉ થયેલી આ તકરારની અદાવત રાખીને કંઇપણ કહ્યા વિના જ છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં છાતીમાં પેટ તથા ગળાના ભાગ સહિત આડેધડ છરીના ઘા મારીને યુવકને લોહી લુહાણ કરી મૂક્યો હતો. બુમાબુમ થતાં સ્થાનિક લોકોએ આવીને યુવકને બચાવ્યો હતો.
આરોપીએ જતા જતા ધમકી આપી હતી કે આજે તું બચી ગયો છે હવે પછી રસ્તામાં મળીશ તો તેને જાનથી મારી નાંખીશ, ત્યારબાદ ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે સરસપુર શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ખૂનની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.