Bribery Case : ભાવનગરની આરોગ્ય અને તબીબી સેવાના નાયબ નિયામક અને તેમની સાથે કામ કરતા એક તબીબ વિરૂદ્ધ સ્ટાફ દ્વારા ખંડણીની ફરિયાદ થતા ફરજ મોકુફ કરાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જે અંગેની ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ સંદર્ભમાં નાયબ નિયામક અને તબીબની તરફેણમાં રિપોર્ટ કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણના અધિક સચિવ દિનેશ પરમાર વતી ડેન્ટલ કોલેજના નિવૃત ડીન ગીરીશ પરમારે એક વ્યક્તિ દીઠ 15 લાખ એમ કુલ 30 લાખની લાંચની માંગણી કરી હતી. આ અંગે એસીબીમાં નાયબ નિયામકે ફરિયાદ કરતા મંગળવારે રાતના છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં નિવૃત ડીન તેમના શાહીબાગ સ્થિત નિવાસ સ્થાન પર રૂપિયા 15 લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. આ અંગે એસીબીએ આરોગ્ય વિભાગના અધિક સચિવ અને સરકારી ડેન્ટલ કોલેજના ડીન વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.