અમદાવાદ,શુક્રવાર
ગાંધીનગરમાં આવેલી ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લીમીટેડ (જીઆઇએલ)ના તત્કાલિન ડેપ્યુટી ડાયરેક્ટર સમીર મહેતા અને એક્ઝીક્યુટીવ એકાઉન્ટન્ટ રૂચી ભાવસાર વિરૂદ્ધ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ સત્તાનો દુરઉપયોગ કરીને સરકારને રૂપિયા ૬૮ લાખનું નુકશાન કર્યાનો ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.
ગાંધીનગરમાં આવેલી જીઆઇએલમા વર્ષ ૨૦૧૭-૧૮ના હિસાબ અંગે તપાસ કરવામાં આવી ત્યારે વિગતો સામે આવી હતી કે તત્કાલિક ડેપ્યુટી ડાયરેક્ટર સમીર મહેતા અને રૂચી ભાવસારે સોની ટ્રાવેલ્સના માલિક અશ્વિન સોની સાથે મળીને પેમેન્ટ રેકોમેન્ડેશન વાઉચરમાં વધારે રકમ દર્શાવીને નાણાં ચુકવ્યા હતા. આ માટે સમીર મહેતાએ ચેક પર સહી કરી હતી. તેમજ રૂચી ભાવસારે ઓડિટ રિપોર્ટ આપ્યો હતો. આ દસ્તાવેજોની ચકાસણીમાં જાણવા મળ્યું હતું કે તેમણે કુલ ૬૮ લાખ રૂપિયાનું વધારાનું પેમેન્ટ કરીને તે નાણાં બારોબાર લીધા હતા. આ અંગે સત્તાનો દુરઉપયોગ કરવાનો ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.