(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ,શનિવાર
અમદાવાદમાં આઈસીડી ખોડિયારમાં આયાતકારોના કન્સાઈનમેન્ટ ક્લિયર કરતાં ડિપાર્ટમેન્ટના અધિકારી સતિન્દર અરોરાને એન્ટિ કરપ્શન બ્યુરોના અધિકારીએ લાંચ લેતા રંગે હાથે પકડી પાડયા તે પછી આયાતના કન્સાઈનમેેન્ટ ક્લિયર કરવાના ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ દસ દિવસની રજા પર ઉતરી જતાં આયાતકારોના કન્ટેઈનર્સ રળઝી પડયા છે. રજા પર ઉતરી ગયેલા અધિકારીઓમાં યોગેશ મેહરોત્રા અને અમનકુમાર અમિતનો સમાવેશ થાય છે. તેમને ડેમરેજ ભરવાની નોબત આવી છે. તેમ જ શિપિંગ બિલ હેઠળના નિકાસના કન્ટેઈનર્સ પણ ક્લિયર થઈ રહ્યા નથી.
આયાતનિકાસ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે અધિકારીઓ રજા પર ઉતરી ગયા હોવાથી ચાર દિવસથી ઇમ્પોર્ટના કન્ટેઈનર્સ ક્લિયર જ થતાં નથી. કાર્ગોનું એક્ઝામિનેશન પણ અટકી પડયં્ હોવાથી નિકાસના કામકાજો ખોરવાઈ ગયા છે. પરિણામે નિકાસ કે આયાત કરનારાઓ પર ડેમરેજ અને ડિટેન્શન ચાર્જનો બોજો વધી રહ્યો છે. તેથી આયાતકારો હેરાનપરેશાન થઈ ગયા છ.
જોકે આઈસીડી ખોડિયારમાં કરપ્શન પણ બહુ જ મોટા પાયા પર થાય છે. આયાતી માલની એક બિલ ઓફ એન્ટ્રી હેઠળ ૨૦ ફૂડનું કન્ટેઈનર આવ્યું હોય તો તે બિલ ઓફ એન્ટ્રિ ક્લિયર કરવા માટે રૃા. ૬૦૦ની લાંચ આપવી પડે છે. આ જ રીતે આયાતનું કન્ટેઈનર ૪૦ ફૂટનું હોય તો તેની બિલ ઓફ એન્ટ્રીને ક્લિયર કરવા માટે લાંચ પેટે રૃા. ૧૦૦૦ માગવામાં આવે છે. રોજની ૧૫૦થી ૨૦૦ બિલ ઓફ એન્ટ્રી ક્લિયર કરવામાં આવતી હોવાનું માનવામાં આવે છે. તેમાં શિપિંગ બિલને ક્લિયર કરવ માટે પણ આજ ચાર્જ લાગે છે. આયાતકાર કે નિકાસકાર દ્વારા એચએસએન કોડ લખવામાં ભૂલ થઈ ગઈ હોય તો તેને માટે અલગથી રકમ વસૂલવામાં આવે છે. આ જ રીતે માર્કિંનો પ્રશ્ન આવે કે માલની ક્વોન્ટિટી ઓછી કે વધારે આવે તો તેને માટે પણ અધિકારીઓ અલગથી રોકડી કરે છે. બિલ ઓફ એન્ટ્રીમાં કે શિપિંગ બિલમાં સુધારો કરવા માટે પણ અલગથી ચાર્જ લેવામાં આવે છે.
આયાતનિકાસકારને કોઈ કારણોસર પનલ્ટી થતી હોય તો તે પેનલ્ટીની રકમમાં ૭૫ ટકા ઘટાડી આપવા માટે પેનલ્ટીની કુલ રકમના ૨૫ ટકા રકમ લાંચ પેટે લેવાઈ રહી છે. અમદાવાદમાં આ પ્રકારની ૧૪ આઈસીડી છે. દરેક આઈસીડીમાંથી ઉચ્ચ અધિકારીઓ માટે દર મહિને રૃા. ૭ લાખ લેવાય છે. આઈસીડી નાની હોય તો દર મહિને રૃા. ૫ લાખ લેવામાં આવે છે. ઉપરી અધિકારીઓને આપવાની રકમ ઉપરાંત સ્ટાફના સભ્ય અલગ અલગ કામ માટે પોતાની રકમ વસૂલતા રહે છે.