,બુધવાર
પૂર્વ વિસ્તારમાં ગૃહ કલશેના કિસ્સા વધી રહ્યા છે, નરોડામાં રહેતી ૫૫ વર્ષની મહિલાનો લગ્નના ૨૬ વર્ષ પછી ઘર સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખાસ કરીને પતિને બીજી મહિલાઓ સાથે આડા સંબંધના કારણે દારુ પીન મહિલા સાથે મારઝૂડ કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતો હતો, એટલું જ નહી દોઢ મહિના પહેલા મહિલાને કાઢી મૂકી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘર ખર્ચ આપતો ન હતો દોઢ મહિનાથી મહિલાનો પિયરમાં આશરો ઘરે જવા પ્રયાસ કર્યો પણ ઘરમાં ઘૂસવા દેતો નથી હથિયારનો પરવાનો હોવાથી મારી નાંખવાની ધમકી
સરસપુર વિસ્તારમાં પિયરમાં રહેતી ૫૫ વર્ષની મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નરોડા વિસ્તારમાં રહેતા પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૨૬ વર્ષ પહેલા સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા. પતિ પાસે દારુની પરમીટ હોવાથી બે વર્ષથી દારુ પીને મહિલાને માનસિક શારિરીક ત્રાસ આપીને મારઝૂડ કરતો હતો અને મહિલા તથા સંતાનોને ઘરખર્ચ આપતો ન હતો તેમજ પિયરમાંથી લાવેલા દાગીના પણ આપતો ન હતો.
ઉપરાંત બેથી વધુ મહિલાઓ સાથે આડા સંબંધના કારણે ફરિયાદી મહિલા સાથે કોઇપણ કારણ વગર તકરાર કરીને માર મારતો હતો અને પિયરમાં પણ જવા દેતો ન હતો. એટલું જ નહી દોઢ મહિના પહેલા પતિની પ્રેમિકા ઘરે આવી હતી તેની નજર સામે મહિલાને ગાળો બોલીને મહિલા અને દીકરીને કાઢી મૂકી હતી બાદમાં મહિલાએ ઘરે જવા પ્રયાસ કરતાં ઘરમાં ઘૂસવા દેતો ન હતો. આ ઘટના સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.