અમદાવાદ,ગુરુવાર,16 જાન્યુ,2025
એક સપ્તાહ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ
કમિટી દ્વારા ત્રણ કે તેથી વધુ વર્ષથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા અધિકારીઓની બદલી
કરવા ઠરાવ કરી મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપી હતી.મ્યુનિ.કમિશનરે ૨૦ આસિસ્ટન્ટ
મ્યુનિસિપલ કમિશનર અને ૮ ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી કરી છે.બે એડીશનલ સિટી
ઈજનેર પૈકી ઋષિ પંડયાને પશ્ચિમ ઝોનથી પૂર્વ ઝોનમાં અને રાજેશ રાઠવાને પૂર્વઝોનથી
પશ્ચિમ ઝોનમાં એડીશનલ સિટી ઈજનેર તરીકે ફરજ સોંપવામાં આવી છે.બદલીના શરૃ થયેલા
દોરથી વર્ષોથી એક જગ્યા ઉપર ફરજ બજાવતા અધિકારીઓમાં ફફડાટ મચી ગયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-૨૦૧૯માં તત્કાલીન
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના સમયમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને નિમણૂંક
આપવામાં આવી હતી. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંકથી લઈ અત્યારસુધીના
સમયમાં અનેક વિવાદ સામે આવ્યા છે.એક તબબકે એડીશનલ સીટી ઈજનેરોએ આસિસ્ટન્ટ
મ્યુનિસિપલ કમિશનરના સીધા નિયંત્રણ હેઠળ કામગીરી કરવાનો ઈન્કાર પણ કરી દીધો
હતો.મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને ૨૦ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની બદલીના
કરેલા ઓર્ડરમાં અમુક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને તેમના રહેઠાણ નજીક આવેલી સબ
ઝોનલ કચેરીની ફરજ સોંપવામાં આવી હોવાનું મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાઈ રહયુ
હતુ.એડીશનલ સિટી ઈજનેર ઋષિ પંડયાને હવે પૂર્વ ઝોનમાં એડીશનલ સિટી ઈજનેર ઉપરાંત
નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેકસ તથા રાજેશ રાઠવાને પશ્ચિમ ઝોનમાં એડીશનલ સિટી ઈજનેર
ઉપરાંત વી.એસ.હોસ્પિટલ નવા બિલ્ડિંગની કામગીરી સંભાળવાની રહેશે.
એફિડેવિટ વિવાદ પછી ઈન્ચાર્જ રજિસ્ટ્રાર જન્મ-મરણની ઝોનમાં
બદલી કરાઈ
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડોકટર દિવ્યાંગ ઓઝા અત્યારસુધી
ઈન્ચાર્જ રજિસ્ટ્રાર જન્મ-મરણ અને સુપ્રિટેન્ડન્ટ ઓફ વેકિસન તરીકે ફરજ બજાવતા
હતા.જન્મ-મરણના દાખલામાં જરૃર નહીં હોવા છતાં પણ અરજદારો પાસેથી એફિડેવિટ
મંગાવવામાં આવતી હોવાની અનેક ફરિયાદ પછી તેમને દક્ષિણ ઝોનમાં ડેપ્યુટી હેલ્થ ઓફિસર
તરીકે ફરજ સોંપવામા આવી છે. તેમના સ્થાને ડોકટર તેજશ શાહને રજિસ્ટ્રાર જન્મ-મરણ
તરીકે ફરજ સોંપાઈ છે.ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોકટર દક્ષા મૈત્રકની પૂર્વઝોનમાં,ડોકટર મિલન
નાયકની મધ્યઝોનમાં ડોકટર મેહૂલ આચાર્યની પશ્ચિમ ઝોનમા,ડોકટર હેમેન્દ્ર
આચાર્યની દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં,ડોકટર
અશ્વિન ખરાડીની ઉત્તરઝોનમાં તથા ડોકટર
બિરેન નાયકની ઉત્તર-પશ્ચિમ ઝોન ખાતે બદલી કરવામાં આવી છે.