અમદાવાદ,મંગળવાર,7
જાન્યુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ સુપરવાઈઝર
ભરતીકાંડ પછી ફાયર વિભાગમાં કરવામાં આવેલી ભરતીના માર્કસ તપાસવા મ્યુનિસિપલ કમિશનર
સમક્ષ માંગ કરવામાં આવી છે. મુંબઈ ખાતે એક રાષ્ટ્રીયકૃત બેન્કમાં ફાયર સેફટી ઓફિસર
તરીકે ફરજ બજાવતા મનોજકુમાર પાટીલને એડીશનલ ચીફ ફાયર ઓફિસરની જગ્યા માટે લેખિત
પરીક્ષામાં માત્ર એક માર્ક ઓછો મળ્યો હતો.
ડેપ્યુટી ફાયર ઓફિસરની જગ્યા માટે નિમણૂંક આપવામાં આવેલા ઉમેદવારો પૈકી એક ઉમેદવાર
કરતા ત્રણ અને એક ઉમેદવાર કરતા પાંચ માર્ક ઓછા મળ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ફાયર વિભાગ માટે
એડીશનલ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની જગ્યા ભરવા ૬૦-૪૦ના રેશિયા
મુજબ લેખિત પરીક્ષા, ફીઝીકલ
ટેસ્ટ અને ઓરલ ઈન્ટરવ્યૂ લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉમેદવારોની પસંદગી
પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફાયર વિભાગ
માટે કરવામા આવેલી ભરતી પ્રક્રીયામાં મુંબઈ ખાતે આવેલી બેન્ક ઓફ ઈન્ડિયા ખાતે ફાયર
સેફટી ઓફિસર તરીકે ફરજ બજાવતા મનોજકુમાર પાટીલે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને
ઈ-મેઈલ કરી ફાયર વિભાગની ભરતી પ્રક્રીયા સમયે આપવામા આવેલા માર્કસને લઈ ફેર તપાસ
કરવા માંગણી કરી છે.તેમણે મ્યુનિસિપલ કમિશનરને કરેલા ઈ-મેઈલમાં ટેકનિકલ સુપરવાઈઝર
ભરતીકાંડમાં સસ્પેન્ડ કરવામાં આવેલા પુલકીત સથવારાની ભૂમિકા તપાસવા પણ રજૂઆત કરી
છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફાયરવિભાગ માટે કરવામા આવેલી ભરતીને લઈ આ ઉમેદવારે
કહયુ,લેખિત
પરીક્ષા, ફીઝીકલ
ટેસ્ટ અને ઓરલ ઈન્ટરવ્યૂ કરવામા આવ્યા એ
સમયે સથવારાની હાજરી અને તેમની ભૂમિકાની તપાસ કરવામા આવે તે યોગ્ય ગણાશે.
મ્યુનિ.તંત્ર જે દસ્તાવેજ
માંગશે એ હુ પુરા પાડીશ,મનોજકુમાર
પાટીલ
મુંબઈ ખાતે રાષ્ટ્રીયકૃત બેન્કમાં ફરજ બજાવતા મનોજકુમાર
પાટીલે કહયુ, બાર
વર્ષનો અનુભવ છે. હાલ ફાયર સેફટી ઓફિસર તરીકે ફરજ બજાવી રહયો છુ.જેમને એડીશનલ ચીફ
ફાયર ઓફિસર તરીકે નિમણૂંક આપવામાં આવી છે.એમના કરતા એક માર્ક મને લેખિત પરીક્ષામાં
ઓછો મળ્યો હતો.ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની જગ્યા માટે નિમણૂંક આપવામા આવેલા બે
ઉમેદવારો પૈકી એક ઉમેદવાર કરતા મને ત્રણ માર્ક અને બીજા એક ઉમેદવાર કરતા મને પાંચ
માર્ક ઓછા મળ્યા હતા.આટલો નજીવો તફાવત કેવી રીતે સંભવ હોઈ શકે.હું રુબરુ અમદાવાદ પહોંચી
શકયો નહીં હોવાથી જ મેં મ્યુનિસિપલ કમિશનર અને મેયરને ઈ-મેઈલ કરી મારી રજૂઆત કરી
છે.મારી પાસે જે દસ્તાવેજ કે વિગત મ્યુનિ.તંત્ર તરફથી માંગવામા આવશે એ હુ પુરી
પાડીશ જેથી સાચી હકકીત બહાર આવે.
પુલકીત સથવારાએ અગાઉ ટેકસ વિભાગમાં પણ રેકર્ડ સાથે ચેડાં
કર્યાની ચર્ચા
મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસમાં હેડ કલાર્ક તરીકે
ફરજ બજાવતા પુલકીત સથવારાને ટેકનિકલ સુપરવાઈઝર ભરતીકાંડમાં સસ્પેન્ડ કરવામા આવ્યા
છે. આ કર્મચારી અગાઉ સીનીયર કલાર્ક કમ ડી.ટી.પી. ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. એક
સમય એવો હતો જયારે પશ્ચિમ ઝોન ખાતે તે ફરજ ઉપર હતા.પશ્ચિમઝોનમાં તેમના ફરજકાળ
દરમિયાન વેલ્યુએશન વિભાગમાં રેકર્ડ સાથે ચેડાં કરી મ્યુનિસિપલ કોર્પોરેશનને મોટી
રકમનુ આર્થિક નુકસાન પહોંચાડયુ હોવાની મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.
ભરતીકાંડ છુપાવવા ૨૬ ડિસેમ્બરે બંધ કવરમાં ત્રણ કર્મચારીઓના
ઓર્ડર કરી દેવાયા હતા
મ્યુનિ.તંત્ર દ્વારા ટેકનિકલ સુપરવાઈઝર ભરતીકાંડ અંગે ૩૧
ડિસેમ્બર-૨૪ના રોજ સત્તાવાર જાહેરાત કરવામા આવી હતી. આ અગાઉ ૨૬ ડિસેમ્બરે સેન્ટ્રલ
ઓફિસમાં ત્રણ જગ્યા ઉપર મ્યુનિસિપલ કમિશનરની સહી સાથે બંધ કવરમાં બદલીના ઓર્ડર કરી
દેવાયા હતા. જેમાં એક ઓફિસ સુપ્રિટેન્ડન્ટ તથા એક હેડ કલાર્ક અને એક જુનિયર
કલાર્કની સેન્ટ્રલ ઓફિસમાં બદલી કરવામા આવી હતી.સામાન્ય કર્મચારીઓની બદલી પણ
મ્યુનિ.તંત્રમા કરવામા આવતી હોય છે તો તે બદલીના ઓર્ડર મ્યુનિ.તંત્ર ઓનલાઈન મુકે
છે. જયારે આ ત્રણ કર્મચારીઓના ૨૬ ડિસેમ્બરે બંધ કવરમા બદલીના ઓર્ડર કરવામા આવ્યા
પછી ૩૧ ડિસેમ્બરે મ્યુનિ.ના ડેપ્યુટી કમિશનર ટેકનીકલ સુપરવાઈઝર ભરતીકાંડની વિગત
જાહેર કરી હેટકલાર્કને સસ્પેન્ડ કરવામા આવ્યા હોવાની જાહેરાત કરે છે. દેખીતી રીતે
ભરતી કૌભાંડ અંગે મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓને ઘણા સમય પહેલા જ ગંધ આવી ગઈ હશે જેથી
૨૬ ડિસેમ્બરે સેન્ટ્રલ ઓફિસમાં કર્મચારીઓની બદલી કરી ચાર દિવસ પછી કૌભાંડ જાહેર
કરાય છે.