Ahmedabad News : સોશિયલ મીડિયામાં ફેમસ થવા અને ખૌફ બતાવવા કેટલાય લુખ્ખાતત્ત્વો જાહેરમાં છરી જેવા ધારદાર હથિયારો, બંદૂક સાથેના વીડિયો બનાવતા હોય છે અને પછી તેમના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં હોય છે. આવા 11 શખ્સો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે જાહેરમાં હથિયારો રાખનારા સામે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચે નાગરિકો માટે એક નંબર જાહેર કર્યો છે. આ નંબર દ્વારા જાહેરમાં હથિયારો સાથે જોવા મળતાં કે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકનારા લુખ્ખાતત્ત્વોની જાણકારી આપનારા નાગરિકોને ઇનામ આપવામાં આવશે.
હથિયારો સાથે રીલ બનાવનારા સામે કાર્યવાહી
રાજ્યમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે રોફ જમાવાનો પ્રયાસ કરતાં શખ્સોને ઝડપી પાડવા માટે એક નંબર જાહેર કર્યો છે. કેટલાક શખ્સો છરી, બંદૂક સાથે રીલ બનાવી સોશિયલ મીડિયા પર ધાક જમાવવાનો પ્રયાસ કરતાં હોય છે. જાહેર સ્થળોએ હથિયાર લઈને વીડિયો બનાવી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારા શખ્સોને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચે નંબર જાહેર કર્યો છે.
ક્રાઇમ બ્રાન્ચે જાહેર કર્યો નંબર
જેમાં નાગરિકોને જણાવ્યું છે કે, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા માધ્યમ પર હથિયારો સાથે ફોટો કે વીડિયો પોસ્ટ કરવામાં જોવા મળે તો ક્રાઇમ બ્રાન્ચના 6359625365 નંબર પર જાણ કરવી. જેમાં માહિતી આપનારા નાગરિકની ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે. આ સાથે તેમને ઇનામ પણ આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ, જાહેર સ્થળો પર હથિયારો સાથે ફરતાં શખ્સો વિરુદ્ધ પણ પોલીસે ઝુંબેશ શરુ કરી છે, ત્યારે અમદાવાદમાં 22 જેટલા શખ્સોએ સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો-વીડિયો પોસ્ટ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 11 જેટલા શખ્સો વિરુદ્ધમાં કાદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.