Ahmedabad Crime Branch: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને 34 વર્ષે એક ચેઇન સ્નેચિંગ કેસમાં સફળતા મળી છે. હકીકતમાં 34 વર્ષ પહેલાં પૂર્વ વિસ્તારમાં એક યુવક મહિલાના ગળામાંથી ચેઇન ખેંચીને ફરાર થઈ ગયો હતો. 90ના દાયકામાં બનેલી આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચને અત્યારે જતા સફળતા મળી છે. હાલ, 71 વર્ષીય ચેઇન સ્નેચર પોલીસ કસ્ટડીમાં છે.
શું હતી સમગ્ર ઘટના?
1991માં અમદાવાદમાં ચેઇન સ્નેચિંગની એક ઘટના બની હતી. જેમાં મહિલા રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક શખસ બાઇક પર આવ્યો અને ગણતરીની સેકન્ડમાં ચેઇન ચોરીને ફરાહર થઈ ગયો હતો. તે સમયે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. ત્યારે પોલીસે ઘણો પ્રયાસ કર્યો પરંતુ, આ ચેઇન સ્નેચર ન મળતાં કેસ બંધ કરી દેવાયો હતો. જોકે, કેસ બંધ થયાના આટલા વર્ષો બાદ ક્રાઇમ બ્રાન્ચને હ્યુમન સોર્સિંગના આધારે જાણવા મળ્યું કે, 1991માં થયેલી ચેઇન સ્નેચિંગનો આરોપી સુરેન્દ્રનગરના એક ગામમાં છુપાયેલો છે અને તેનું નામ બલજી ઠાકોર છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સુરેન્દ્ર નગર પહોંચી અને બલજી ઠાકોરની અટકાયત કરી હતી.
આ પણ વાંચોઃ અંબાજીના માઈ ભક્તો માટે અગત્યના સમાચાર, ગબ્બર રોપ-વે 6 દિવસ બંધ, જાણો કારણ
યુવાવસ્થાના ગુનાની સજા વૃદ્ધાવસ્થામાં ભોગવવી પડશે
ત્યાર બાદ પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી બલજી ઠાકોરે કબૂલ્યું કે, 34 વર્ષ પહેલાં ચેઇન ચોરી કરી હતી. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી અને 71 વર્ષીય આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ ટૂંક સમયમાં આ આરોપીને કોર્ટમાં રજૂ કરશે. 34 વર્ષ પહેલાં કરેલાં ગુનાની સજા આરોપી બલજી ઠાકોરને વૃદ્ધાવસ્થામાં ભોગવવી પડશે.