PMJAY Scam: ખ્યાતિ હોસ્પિટલમાં બે લોકોની મોત બાદ સમગ્ર આયુષ્યમાન કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સમગ્ર ઘટનાને લઈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, કેસની ગંભીરતાને જોતા આ કેસ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હાલ, ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે નવો ઘટસ્ફોટ કર્યો છે. જેમાં આરોપીઓ સરકારી વેબસાઇટની ટેક્નિકલ ખામીનો દુરૂપયોગ કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે ગેરકાયદેસર આયુષ્યમાન કાર્ડ બનાવતા હોવાનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દેશવ્યાપી કૌભાંડ?
ક્રાઇમ બ્રાન્ચે ખુલાસો કર્યો કે, આ કૌભાંડ હેઠળ જે લોકો પાત્રતા નહતાં ધરાવતા તેવા લોકોના પણ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવતા હતાં. દસ્તાવેજ વિના જ PMJAY કાર્ડ બનાવી દેવામાં આવતા. આ સિવાય કાર્ડ બનાવવા માટે બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ થતો અને ગેરકાયદેસર કાર્ડ બનાવવાના પૈસા પણ વસૂલવામાં આવતાં. આ સમગ્ર કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની સંડોવણી પણ સામે આવી છે. આ સિવાય એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફક્ત ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોય. હાલ, ક્રાઇમ બ્રાન્ચ તમામ આરોપીની પૂછપરછ કરી આ વિશે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ પોલીસ ભરતી અંગે મોટા સમાચાર: બિન હથિયારી PSI-કોન્સ્ટેબલની શારીરિક કસોટીની તારીખ જાહેર
મોડસ ઓપરેન્ડી
તપાસમાં ખુલાસો થયો કે ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટરની સૂચનાથી કપટપૂર્ણ આયુષ્માન ભારત કાર્ડ બનાવવામાં આવ્યા હતા. જેમાં ચિરાગ રાજપૂતે નિમેષ ડોડિયા સાથે મળીને ઓનલાઈન પોર્ટલ દ્વારા કાર્ડ બનાવવાની સેવાઓની જાહેરાત કરી હતી. જેમાં છેતરપિંડી કરીને દરેક કાર્ડ 1,500- 2,000 રૂપિયામાં વેચવામાં આવ્યા હતા, જેમાં નિમેશને કાર્ડ દીઠ 1,000 રૂપિયાની કમાણી થઈ હતી.
ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિના ડિરેક્ટર સહિતની કરી ધરપકડ
- ચિરાગ હીરાસિંહ રાજપૂત (અમદાવાદ)
- નિમેશ દિલીપભાઈ ડોડિયા (અમદાવાદ)
- મોહમ્મદ ફઝલ શેખ (અમદાવાદ)
- મોહમ્મદ અસ્ફાક શેખ (વટવા, અમદાવાદ)
- નરેન્દ્ર ગોહિલ (ભાવનગર)
- ઈમ્તિયાઝ (ભાવનગર)
- ઈમરાન જાબીર હુસેન કારીગર (સુરત)
આયુષ્યમાન ભારત પોર્ટલ સાથે ચેડાં
નિમેષ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં સાથીઓ સાથે સંપર્ક સાધવા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપનો ઉપયોગ કરતો હતો. જેમાં અમદાવાદનો રહેવાસી મોહમ્મદ ફઝલ અને મોહમ્મદ અસ્ફાક શેખ, ભાવનગરના રહેવાસી નરેન્દ્ર ગોહિલ અને ઈમ્તિયાઝ તેમજ સુરતના ઈમરાનનો સમાવેશ થાય છે. આ આરોપીઓએ સરકારી પોર્ટલમાં ટેક્નિકલ ખામીનો દુરૂપયોગ કરવામાં મદદ કરી હતી. આ ગ્રુપે 1,200-1,500 નકલી હેલ્થ કાર્ડ બનાવવા માટે આયુષ્માન ભારત પોર્ટલના Source Code સાથે ચેડાં કર્યા હતાં.
આ પણ વાંચોઃ દર્દીઓના મોતના જવાબદાર ભગવાન છે… ‘જીવલેણ’ બનેલી ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશોના ઉડાઉ જવાબ
Enser Communication Pvt. LTD. આયુષ્માન ભારત કાર્ડ બનાવવાનો સરકારી કોન્ટ્રાક્ટ ધરાવે છે, તેને પણ આ સમગ્ર કૌભાંડમાં ફસાવવામાં આવી હતી. કંપનીના કર્મચારી નિખિલ પારેખે કથિત રીતે આરોપીઓને ગેરકાયદે લોગઇન ઓળખપત્રો પૂરા પાડ્યા હતા, જેનાથી દર મહિને 8,000-10,000 રૂપિયાની કમાણી થઈ હતી. આ ઓળખપત્રોનો અનધિકૃત E-KYC મંજૂરીઓ માટે દુરૂપયોગ કરવામાં આવ્યો હતો.
આરોપીઓ પાસેથી જે પુરાવા મળ્યા છે તેમાં દર્દીના રેકોર્ડ અને એન્જીયોગ્રાફીનો ડેટા ધરાવતા બે કોમ્પ્યુટર, નિમેશ ડોડિયાના લેપટોપમાંથી 1,000 શંકાસ્પદ આયુષ્માન ભારત કાર્ડ સંબંધિત આઈડી, છેતરપિંડી કરનાર કાર્ડ બનાવવાની પ્રક્રિયાના વીડિયોગ્રાફિક પુરાવા અને આરોપીને ગુના સાથે જોડતી જુબાનીઓનો સમાવેશ થાય છે.
ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓને મફત સારવાર મળી રહે તે માટે ઉપયોગી એવી PMJAY યોજના હૉસ્પિટલો માટે જાણે કમાણીનું સાધન બની રહી છે. વર્ષ 2023માં કેગ દ્વારા PMJAY યોજનાના ઓડિટ રિપોર્ટમાં ગુજરાતની હોસ્પિટલોમાં ચાલતી ગેરરીતિઓનો ખુલાસો થયો હતો. કેગના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જાન્યુઆરી 2021થી માર્ચ 2021 દરમિયાન ઓડિટર્સે ગુજરાતનીસ અલગ-અળગ 50 હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં હોસ્પિટલો બેડની ક્ષમતા કરતાં વધુ દર્દીઓની સારવાર કરતા હોવાનો ખુલાસો થયો હતો. આ 50 હૉસ્પિટલ્સમાં કુલ બેડની સંખ્યા 2552 છે. જેની સામે અલગ-અલગ તારીખોમાં 5217 દર્દીઓએ સારવાર લીધી હતી. જેમકે, સુરેન્દ્રનગરની મેડીકો મલ્ટીસ્પેશ્યાલિટી હૉસ્પિટલમાં 8 માર્ચ 2021ના દિવસે 34 બેડની સામે 97 દર્દીઓ કાગળ પર સારવાર લઈ રહ્યા હતા. જોકે, તમામ સારવાર જાણે ફક્ત કાગળો પર જ થઈ રહી હતી.