અમદાવાદ,શુક્રવાર
શહેરના ન્યુ રાણીપમાં આવેલા આશ્રય એપાર્ટમેન્ટમાં રહેતા જીગર તુલી, તેની સપના તુલી અને અને તેની માતા વીણા તુલી વિરૂદ્ધ આર્થિક ગુના નિવારણ શાખામાં રૂપિયા ૩.૩૬ કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં તેમણે વેજલપુરમાં વીમા એજન્સી અને ફાઇનાન્સીયલ એડવાઇઝર તરીકે કામ કરતી મહિલા રોકાણની સામે આકર્ષક વળતરની લાલચ આપીને નાણાં પડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સીઆઇડી ક્રાઇમમાં તુલી દંપતિ વિરૂદ્ધ ૪૨ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ ચુકી છે. ત્યારે આગામી દિવસોમાં અન્ય ગુના નોંધાવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ઠક્કરબાપાનગરમાં આવેલા ઋત્વિજ એપાર્ટમેન્ટમાં રહેતા જીગ્નાશા મિસ્ત્રીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે વેજલપુરમાં આવેલા સંજીવની કોમ્પ્લેક્સમાં વીમા અને નાણાંકીય સલાહકાર તરીકે ઓફિસ ચલાવે છે. બે વર્ષ પહેલા તેમને જાણવા મળ્યું હતું કે ટેનસ્કોપ મેનેજમેન્ટ કંપનીના જીગર તુલી શેરબજારમાં અલગ અલગ સ્ક્રીપ્ટમાં રોકાણ કરાવે છે. જેમાં નોંધનીય વળતર પણ અપાવે છે. જેથી મે-૨૦૨૩માં તેમણે જીગર તુલી (આશ્રય એપાર્ટમેન્ટ, ન્યુ રાણીપ)નો સંપર્ક કર્યો હતો. આ સમયે તેની સાથે તેની પત્ની સપના તુલી અને માતા વીણા તુલી પણ હાજર હતા.તેણે જણાવ્યું હતુ કે તને ૨૫ વર્ષનો અનુભવ છે અને તે અલગ અલગ સ્કીમમાં રોકાણ કરે છે. તેને આઇપીઓમાં સેટીંગ છે અને ધારે તે પ્રમાણે શેરના ભાવમાં વધારો ધટાડો કરી શકે છે. જેથી મહિના ૪૦થી ૬૦ ટકા વળતર મળશે. જેથી જુન ૨૦૨૩માં ફેબુ્રઆરી સુધીમાં ૧.૮૮ કરોડનું રોકાણ કર્યું હતું. જેની સામે ૭૭ લાખ રૂપિયા પરત આપ્યા હતા. તેમજ અન્ય રોકાણની સામે ૬૦ ટકા નફા લેખે ૨.૨૫ કરોડની રકમ ચુકવી નહોતી.
બીજી તરફ જીગર તુલીએ દાવો કર્યો હતો કે તેની કંપની સિંધુભવન રોડ પર આવેલા ટ્રેડબુલમાં રોકાણ કરે છે. જેથી ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેણે લોકોને છેતરવા ટ્રેડબુલના નામનો ઉપયોગ કર્યો હતો. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ શરૂ કરી છે.