અમદાવાદ,સોમવાર
અમદાવાદમાં છેલ્લાં ઘણા દિવસોથી રીક્ષામાં સિનિયર સિટીઝન કે મહિલાને પેસેન્જર તરીકે બેસાડીને સોના દાગીનાની ચોરી કે લૂંટ કરવાના બનાવોમાં વઘારો થયો હતો. આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચે વોચ ગોઠવીને રીક્ષામાં આવીને ગુના આચરતી ગેંગની મહિલા સાગરિત સહિત ત્રણ આરોપીઓને રૂપિયા આઠ લાખની કિંમતના સોનાના દાગીના જપ્ત કરાયેલા છે. અમદાવાદ શહેરના વાડજ, રાણીપ, નારણપુરા અને વેજલપુર વિસ્તારમાં રીક્ષામાં સિનિયર સિટીઝન અને મહિલા પેસેન્જરની નજર ચુકવીને સોનાના દાગીનાની ચોરી કરવાના કે લૂંટ કરવાના કિસ્સામાં સતત વધારો જોવા મળ્યો હતો. જે કેસની તપાસ શરૂ કરતા ક્રાઇમબ્રાંચના પીઆઇ જે કે મકવાણાને બાતમી મળી હતી કે મહેમદાવાદથી આવતી એક ગેંગ સક્રિય છે. જેના આધારે વોચ ગોઠવીને ગીતામંદિર મજૂર ગામ પાસેથી રીક્ષામાં જતા સલમાનખાન પઠાણ, વિક્રમ દંતાણી અને આશા દેવીપુજક (તમામ રહે.મહેમદાવાદ, ખેડા)ને ઝડપીને તપાસ કરતા તેમની પાસેથી રૂપિયા ૮.૧૪ લાખની કિંમતના સોનાના દાગીના મળી આવ્યા હતા. આ અંગે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે સવારના સમયે સિનિયર સિટીઝન અને મહિલાઓને પેસેન્જર તરીકે બેસાડતા હતા.જ્યારે તેમની સાથે અન્ય બે પેસેન્જર તરીકે આરોપીઓ બેસતા હતા. જે નજર ચુકવીને દાગીનાની ચોરી કરતા હતા અને જો પેસેન્જરને ખબર પડી જાય તો જાનથી મારી નાખવાની ધમકી આપીને લૂંટ કરીને તેમને ઉતારીને નાસી જતા હતા. સાથેસાથે પોલીસથી બચવા માટે તે નંબર પ્લેટ પણ બદલતા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસે કુલ નવ જેટલા ગુનાના ભેદ ઉકેલીને વધુ તપાસ હાથ ધરી છે.