Ahmedabad News : અમદાવાદ શહેરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ઝોન-2 ને એક મોટી સફળતા મળી છે. છેલ્લા 15 વર્ષથી ફરાર ડબલ મર્ડર કેસના મુખ્ય બે આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા આરોપીઓને રાજસ્થાનના ધોલપુર અને મધ્યપ્રદેશના મુરેનાથી ધરપકડ કરવામાં આવી છે. ડબલ મર્ડર કેસ ઉકેલવા માટે LCBએ બાતમીના આધારે આરોપીના ઠેકાણાની શોધ કરી હતી અને બંને આરોપીને ઝડપી પાડવા માટે અધિકારીઓએ દૂધવાળા, ટ્રેક્ટર ડ્રાઇવરો અને વિક્રેતાઓનો વેશ ધારણ કર્યો હતો.
ડબલ મર્ડર કેસના આરોપીની ધરપકડ
પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, અદાવાદમાં 15 વર્ષ પહેલા એટલે કે 22 નવેમ્બર 2009ના રોજ સાબરમતીના પ્રબોધ રાવલ બ્રિજ નજીક ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી. જેમાં ચણાજોર ગરમ વહેચવાના વિવાદ મામલે આરોપીએ જાહેરમાં ગોળીબાર કરીને બે વ્યકિતની હત્યા નીપજાવી હતી. સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમો, આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ સહિત રાજ્યભરમાં અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરવાનું શરૂ
સમગ્ર ઘટના મામલે LCB ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ફરાર આરોપીના ઠેકાણાની પુષ્ટિ કર્યા બાદ ત્યાં પહોંચ્યા હતા. જેમાં LCB અધિકારીઓ કેસને ઉકેલવા માટે દૂધવાળા, ટ્રેક્ટર ડ્રાઇવરો અને વિક્રેતાઓનો વેશ ધારણ કર્યો હતો. જેમાં બે દિવસની દેખરેખ પછી LCB ટીમે મૂળ રાજસ્થાનના રહેવાસી મુન્ના સિંહ નારાયણ સિંહ કુશવાહ (ઉં.વ. 48) અને મૂળ મધ્યપ્રદેશના સીતારામ ભગવાન સિંહ કુશવાહ નામના બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે છેલ્લા દોઢ દાયકાથી વધુ સમયથી ધરપકડથી બચી રહેલા આરોપીઓ હવે પોલીસ કસ્ટડીમાં છે અને આગળની કાનૂની કાર્યવાહી માટે તેમને સાબરમતી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે.