અમદાવાદ,બુધવાર
એક સપ્તાહ પહેલા માણેક ચોકમાં આવેલી એક દુકાનમાંથી તસ્કરોએ બાથરૂમની બારીની ગ્રીલ તોડીને રૂપિયા ચાર લાખની રોકડ અને સોનાની છ લગડી સહિત કુલ રૂપિયા ૫૨.૩૬ લાખની મત્તાની ચોરી કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલીને અમદાવાદ ક્રાઇમબ્રાંચે કલોલમાં રહેતા બે આરોપીઓને રૂપિયા ૪૮.૩૬ લાખની કિંમતના સોનાની લગડી સાથે ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય માસ્ટર માઇન્ડ ચાર લાખની રોકડ લઇને નાસી ગયાનું જાણવા મળ્યું છે. શહેરના નિર્ણયનગરમાં આવેલા શાંતારામ કોમ્પ્લેક્સમાં રહેતા જયદીપ સોની માણેક ચોક સાંકડી શેરીમાં સોનાના દાગીના બનાવવાનો વ્યવસાય કરે છે. ગત ૨૩મી ઓક્ટોબરના રોજ રાતના સમયે કોઇ તસ્કરો બાથરૂમની બારીની ગ્રીલ તોડીને દુકાનમાં પ્રવેશીને રૂપિયા ચાર લાખની રોકડ અને ૪૮.૩૬ લાખની કિંમતની સોનાની લગડીની ચોરી કરી ગયાની ફરિયાદ ખાડિયા પોલીસ મથકે નોંધવામાં આવી હતી. આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચના પીઆઇ જે કે મકવાણા અને તેમના સ્ટાફ હ્યુમન સોર્સ અને ટેકનીકલ એનાલીસીસના આધારે માહિતી મળી હતી કે જયદીપની દુકાનમાં અગાઉમાં કામ કરતા શિન્ટુ ચક્રવર્તીની શંકાસ્પદ ભૂમિકા છે. ઉપરાંત, તેની સાથે માણેકચોકની અન્ય દુકાનમાં કામ કરતા બે યુવકો સંકળાયેલા છે. જેના આધારે પોલીસે ગાંધીનગરના કલોલમાં રહેતા સંજય વૈષ્ણવ (ઉ.વ.૩૭) અને શૈલેષ જાદવ (ઉ.વ.૩૩)ને ઝડપીને તપાસ કરતા તેમની પાસેથી સોનાની લગડી મળી આવી હતી. બંનેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે શિન્ટુ ચક્રવર્તી અગાઉ જયદીપભાઇની દુકાનમાં કામ કરતો હોવાથી તે સોનું અને રોકડ ક્યા મુકવામાં આવે છે? તે અંગે વાકેફ હતો અને તેણે ચોરીની સમગ્ર્ યોજના બનાવી હતી. ચોરી કર્યા બાદ તેણે ચાર લાખની રોકડ પોતાની પાસે રાખી હતી અને સોનાનો ભાગ થોડા દિવસ બાદ કરવાનું નક્કી કર્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.