Ahmedabad News: અમદાવાદમાં હાલ સરખેજ-સાણંદ ક્રોસ રોડથી ઈસ્કોન વચ્ચે અવર-જવર કરનારા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સરખેજ ગાંધીનગર રોડ પર YMCA ક્લબ પાસે બની રહેલા ઓવરબ્રિજના કારણે એસજી હાઇવે પર ભારે ટ્રાફિકજામ થાય છે. એમાં પણ પીક અવર્સમાં તો આ રોડના ટ્રાફિકની હાલત દિલ્હીના નોઇડના ટ્રાફિક જેવી થઈ જાય છે. હાઇવે રોડ પર ઠેર ઠેર ટ્રાફિક ડાયવર્ઝનના પાટિયા તો લગાવવામાં આવ્યા છે, પરંતુ એસજી હાઇવેને સમાંતર સર્વિસ રોડ પર જ્યાં ડાયવર્ઝન અપાયું છે ત્યાં પણ ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે.
તંત્રએ કાઢ્યું બુદ્ધિનું દેવાળું
એક તરફ સરખેજ-સાણંદ ક્રોસ રોડથી ઈસ્કોન વચ્ચે બ્રિજની કામગીરી ચાલુ હોવાથી હાઇવે પર પતરાં લગાવાયા છે. જેના કારણે રોડ સાંકડો થઈ ગયો છે. બીજી તરફ છેલ્લા એક સપ્તાહથી આ સમસ્યામાં પણ વધારો થયો છે. કારણ કે જે સર્વિસ રોડ પર ડાયવર્ઝન અપાયું છે ત્યાં પણ હવે રસ્તાને પહોળો કરવાનું કામ શરુ કરાયું છે. એક સાથે બન્ને કામગીરી શરુ કરાઈ હોવાથી લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવવા મજબૂર બન્યા છે. જેનાથી લોકોના સમય અને ઈંધણની ભારે બરબાદી થઈ રહી છે. યોગ્ય આયોજન વગર બન્ને બાજુ કામ ચાલતું હોવાથી લોકોને રસ્તાનો યોગ્ય વિકલ્પ પણ નથી મળતો.
આ પણ વાંચોઃ વાપીમાં એસીબીની સફળ ટ્રેપ : CGST કચેરીનો ઈન્સ્પેક્ટર રૂ.40 હજારની લાંચ લેતા પકડાયો
એસ.જી હાઇવે પર ટ્રાફિકજામ
YMCA ક્લબથી બની રહેલા ઓવરબ્રિજના કારણે એસ. જી. હાઇવે પર સવારે ઑફિસ જવાના સમયે અને સાંજના 6 વાગ્યાથી ભયાનક ટ્રાફિકજામના દૃશ્યો સર્જાય છે. ટ્રાફિકની સમસ્યાને ટાળવા માટે આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સલાહ અપાઈ છે. પરંતુ ત્યાં પણ ટ્રાફિક જામ થતો હોવાથી લોકોની હાલાકી બેવડાઈ છે. સાથે જ ઘણા લોકોને તો તંત્રએ આપેલા ડાયવર્ઝનની ખબર પણ નથી અને લોકોને તે વિશે માહિતી મળે તેવા યોગ્ય પ્રયાસ પણ નથી કરાયા.
આ પણ વાંચોઃ વડોદરામાં જોખમી અને ગફલતભરી રીતે એક્ટિવા હંકારી રહેલા ત્રણ યુવકોનો વિડીયો વાયરલ
વૈકલ્પિક રસ્તો
- જો સરખેજ ક્રોસ રોડથી ઈસ્કોન કે કર્ણાવતી ક્લબ જવું હોય તો એલ.જે યુનિવર્સિટીવાળા માર્ગનો ઉપયોગ કરી શકાશે. આ રોડ 4 લેન હોવાથી અહીં ટ્રાફિકની સમસ્યા નહીંવત્ જોવા મળશે તેવો દાવો કરાયો છે. આ રસ્તો સિંધુભવન રોડ સુધી જશે, જેથી તમે કર્ણાવતી ક્લબ અને બોપલ આંબલી રોડ ક્રોસ કરી ઈસ્કોન જઈ શકશો.
- આ સિવાય જો ગાંધીનગર કે સિંધુભન રોડ, સોલા, ગોતા જવું હોય તો એસ.પી રિંગ રોડવાળો સીધો રસ્તો પકડી શકાશે. જેના કારણે લોકોને લાંબા અંતરનો ચકરાવો મારવો પડી રહ્યો છે.