Ahmedabad School Advisory : ચીનમાં HMPV (હ્યુમન મેટાન્યૂમો વાઈરસ) ફેલાયા બાદ એવી સ્થિતિ ઉભી થઈ છે કે, વુહાનમાં શાળાઓ બંધ કરી દેવી પડી છે. અહીં 10 દિવસમાં એચએમપીવીના કેસો 529 ટકા વધ્યા છે. HMPV ફેલાવો ભારતમાં પણ ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાંથી પણ બે કેસ નોંધાયા છે. જેના લીધે તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્યારે અમદાવાદ DEO એ ખાનગી સ્કૂલો માટે એડવાઇઝરી જાહેર કરી છે. સ્કૂલના સંચાલકોએ વાલીઓને મેસેજ કરીને જણાવ્યું છે કે જો બાળકને શરદી-ખાંસી હોય તો સ્કૂલે ન મોકલે. બાળકોની સ્થાનિક પરીક્ષા હોય તો પેપરની ચિંતા ન કરો, સ્કૂલ પરીક્ષા ફરીથી લેશે. બાળકોને ચેપ ન લાગે તેની તકેદારી ભાગરૂપે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
બાળકોની સ્થાનિક પરીક્ષાની ચિંતા કરશો નહી
સ્કૂલ સંચાલકોએ જણાવ્યું હતું કે રાજ્યમાં પણ કેસ વધી રહ્યા છે. પરંતુ ડરવાની જરૂર નથી, સાવચેતી રાખવી જરૂરી છે. બાળકોને માસ્ક પહેરાવો, તાવ શરદી-ખાંસી હોય તો શાળાએ મોકલવા નહી, જેથી અન્ય બાળકોને ચેપ લાગે નહી. જો શાળાની સ્થાનિક પરીક્ષામાં બાળકની ગેરહાજરી હશે તો શાળા ફરીથી પરીક્ષા લેશે.
શાળાઓએ સાવચેતીના ભાગરૂપે જાતે જ ગાઇડલાઇન તૈયાર કરી
રાજ્યના આરોગ્ય મંત્રાલય દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ વાઈરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂરી છે. ત્યારે અમદાવાદની કેટલીક શાળાઓમાં સાવચેતીના ભાગરૂપે જાતે જ ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી છે તેમજ વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્કની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત વાલીઓને સૂચના આપવામાં આવી છે કે જો તમારા બાળકને શરદી-ખાંસીના લક્ષણો જણાય શાળાએ મોકલવા નહી. જેથી અન્ય બાળકોને ચેપ લાગે નહી. એટલું જ નહી સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને શરદી-ખાંસીના લક્ષણો જોવા મળે તો તેમને ઘરે મોકલી દેવામાં આવે છે.
આ પણ વાંચો: ચીન પર આફત, HMPVના અસંખ્ય કેસ બાદ વુહાનમાં શાળાઓ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
ભારતના પાંચ રાજ્યોમાં નવ કેસ સામે આવ્યા
ચીનનો આ વાયરસ ભારત સુધી પણ પહોંચી ગયો છે દેશના પાંચ રાજ્યોમાં કુલ નવ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં બે કેસ નોંધાયા છે. અહીં એક 13 વર્ષની છોકરી અને 7 વર્ષનો છોકરો સંક્રમિત થયો છે. બંને બાળકોને તાવ આવ્યા બાદ આ વાયરસનો ચેપ લાગ્યો હતો. ગુજરાતમાં બે અને કર્ણાટક, તમિલનાડુ, અને પશ્ચિમ બંગાળમાં પણ કેસ મળી આવ્યા છે. કેન્દ્ર સરકાર આ વાયરસને લઈને એલર્ટ પર છે. રાજ્યોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું જોઈએ?
•જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિશ્યુથી ઢાંકવું જોઈએ.
•નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા અથવા સેનેટાઇઝરનો ઉપયોગ કરવો.
• ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યકિતઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું
•તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
•વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક લેવો.
•પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
•બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું.
•શ્વસનને લગતાં લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
શું ના કરવું જોઈએ?
• જરૂરી ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં.
•સંક્રમિત વ્યક્તિએ પોતાની ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો અન્ય વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
•જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.