અમદાવાદ, તા. 8 જાન્યુઆરી, 2024, સોમવાર
અમદાવાદમાં યોજાઇ રહેલા ‘ફ્લાવર શો’ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા 9 દિવસમાં 5 લાખથી વધુ મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લઇ ચૂક્યા છે અને તેનાથી અંદાજે રૂપિયા 3 કરોડથી વધુની આવક થયેલી છે.
રવિવારે એક જ દિવસમાં 85 હજારથી વધુ મુલાકાતીઓથી રૂ.65 લાખથી વધુની આવક થઇ
રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ૩૦ ડિસેમ્બરથી ફ્લાવર શોનો પ્રારંભ થયો હતો. સોમવારથી શુક્રવાર સરેરાશ 35 હજાર જ્યારે શનિવાર-રવિવારના સરેરાશ 70 હજારથી વધુ મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે. જેમાં 7 જાન્યુઆરીના રવિવારે સાંજ સુધી 85 હજારથી વધુ ટિકિટ વેચાઇ ચૂકી હતી. હજુ રાત સુધીમાં ટિકિટ વેચાણનો આ આંક 1 લાખ થઇ જાય તેવી સંભાવના છે. ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીના થશે. પરંતુ હાલમાં જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે એ જોતાં તેને 26 જાન્યુઆરી સુધી લંબાવવા માટે પણ શહેરીજનોની માગણી થઇ રહી છે.
ફ્લાવર શો : ક્યારે કેટલી ટિકિટનું વેચાણ?
તારીખ ટિકિટ વેચાણ
30 ડિસે. 22,000
31 ડિસે. 72,000
1 જાન્યુ. 78,000
2 જાન્યુ. 36,768
3 જાન્યુ. 32,880
4 જાન્યુ. 32,842
5 જાન્યુ. 38,000
6 જાન્યુ. 42,000
7 જાન્યુ. 80,000
ફ્લાવર શો : લોકો સ્વયંભૂ ઉમટે છે, પ્રચારની જરૂર નથી
અમદાવાદના રિવરફ્રન્ટ ચાલતો ફ્લાવર શો ખાસ્સો લોકપ્રિય બનતો રહ્યો છે. કોઈપણ પ્રકારની ઝાઝી પબ્લિસિટી વગર પણ અહીં હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. એની પાછળનું મુખ્ય કારણ એમાં રજૂ થઈ રહેલી બાબતો છે અને એથી જ મુખોમુખ પ્રચાર- અર્થાત્ માઉથ પબ્લિસિટી થઈ રહી છે. લોકો ટિકિટ ખરીદવા લાંબી લાઈનો લગાવે છે અને ફ્લાવર શો નિરાંતે માણે છે. જે વસ્તુ સારી રીતે રજૂ થાય તો લોકો પૈસા ખર્ચીને પણ જાણવા-માણવા જાય છે તે બાબતની પ્રતિતિ આ શોથી થાય છે.