Ahmedabad Marriage Fraud Case : અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતી એક યુવતીએ લગ્ન માટે જીવનસાથી મેટ્રોમોનિયલ સાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં એક યુવકે તેને પ્રભાવિત કરીને લગ્ન માટેની ઓફર કરીને તબક્કાવાર અલગ અલગ કારણ બતાવીને નાણાં પડાવ્યા હતા અને યુવતીનું પ્રોફાઇલ ડીલીટ કરાવી દીધી હતી. જો કે યુવતીને શંકા જતા તેણે ફરીથી પ્રોફાઇલ બનાવી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે યુવકે મેટ્રીમોનિયલ સાઇટ પર અનેક યુવતીઓ સાથે છેતરપિંડી કરીને નાણાં પડાવ્યા હતા. આ અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે.
યુવકે જીવનસાથી મેટરીમોનિયલ સાઇટ દ્વારા અનેક યુવતીઓને લગ્ન નામે ટારગેટ કર્યાની શક્યતા
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતી એક 31 વર્ષીય યુવતીએ ગત જુલાઇ 2023માં જીવનસાથી મેટ્રીમોનિયલ એપ્લીકેશનની મદદથી પ્રોફાઇલ બનાવીને લગ્ન માટે યુવક શોધવાનું શરૂ કર્યું હતું. જેમાં તેને મૃત્યુજંય નામના યુવકની પ્રોફાઇલથી રીકવેસ્ટ આવી હતી અને તેણે જણાવ્યું હતું કે મુંબઇ સ્થિત મોટી કંપનીમાં નોકરી કરે છે. જેથી તે પ્રભાવિત થઇ હતી અને તેની સાથે વધુ વાતચીત શરૂ કરી હતી. આ દરમિયાન મૃત્યુંજંય (રહે. સંતવેલી એપાર્ટમેન્ટ,વાસી, નવી મુંબઇ) નામના યુવકે યુવતી સાથે લગ્ન નક્કી હોવાનું પોતાની તેમજ યુવતીની પ્રોફાઇલ ડીલીટ કરાવી દીધી હતી. ત્યારબાદ તે યુવતી સાથે અલગ અલગ નંબરથી સંપર્કમાં રહીને વાત કરતો હતો અને 15 જુલાઇ 2023ના રોજ યુવતી લગ્નની તારીખ નક્કી કરવા માટે તેના માતાપિતાની સાથે મુંબઇ ગઇ હતી. ત્યારે મૃત્યુજંયે લગ્ન માટે 23મી નવેમ્બર 2023ની તારીખ નક્કી કરી હતી. જો કે ત્યારબાદ મૃત્યુજંયે તેની માતાને અકસ્માત થયો છે. તેમ કહીને યુવતી પાસે નાણાં મંગાવ્યા હતા. લગ્નની તારીખ નજીક આવતી હોવાથી યુવતીના માતા પિતા અને યુવતી બિહાર મૃત્યુંજયના માતા પિતાને મળવા ગયા ત્યારે યુવકે તેમને બારોબાર મળીને કહ્યું હતું કે તેના કાકાનું અવસાન થયું હોવાથી હવે હોળી પછી લગ્ન કરવા પડશે. જો કે યુવતીને શંકા જતા તેણે ફરીથી જીવનસાથી મેટ્રીમોનિયલ પર પોતાની પ્રોફાઇવલ એક્ટીવ કરી ત્યારે જોયું તો મૃત્યુંજયની પ્રોફાઇલ ચાલુ હતું. આ અંગે યુવતીને શંકા જતા તેને કોલ કર્યો ત્યારે તે યોગ્ય જવાબ આપી શક્યો નહોતો. જેથી છેતરપિડી થયાની જાણ થતા આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં મૃત્યુંજય નામના ગઠિયા વિરૃદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ છે. જેમાં મૃત્યુંજય નામના યુવકે મેટ્રીમોનિયલ સાઇટ પરથી લગ્નની લાલચ આપીને અનેક યુવતીઓ સાથે છેતરપિંડી કરી હોવાની વિગતો પણ પોલીસને મળી છે.