Weather News : ઉત્તર પાકિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર લઈને હિમાલયની પર્વતમાળામાં વરસાદ અને હિમવર્ષા થઈ. જેમાં ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે અમદાવાદ સહિતના વિસ્તારોમાં છેલ્લા બે દિવસમાં ગરમી બાદ ઠંડા પવન ફૂંકાતા લોકોને ઠંડીનો ચમકારો વર્તાયો હતો. જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. જેમાં આગામી 9-10 માર્ચના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે.
13 માર્ચ સુધી શુષ્ક હવામાનની સંભાવના
અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પ્રેશર ગ્રેડિએન્ટના કારણે અચાનક પવનની ગતિ વધી હતી. જ્યારે ઉત્તર તરફ હવાનું દબાણ વધુ અને દક્ષિણ તરફ હવાનું દબાણ ઓછું થવાના કારણે રાજ્યમાં પવનની ગતિ વધી છે. જેમાં ખાસ કરીને પવનો ઉત્તર તરફથી આવતા હોવાથી ઠંડીની અસર વર્તાઈ રહી છે. રાજ્યમાં આગામી 13 માર્ચ સુધી શુષ્ક હવામાનની સંભાવના છે. પવનની ગતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે જણાવાયું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દમણમાં 36.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 32.3 ડિગ્રી, રાજકોટમાં 34 ડિગ્રી, વડોદરામાં 33.4 ડિગ્રી, સુરતમાં 34.6 ડિગ્રી, ગાંધીનગરમાં 32.8 ડિગ્રી, ભાવનગરમાં 30.9 ડિગ્રી, અમરેલીમાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું છે.