AMC Scandal List: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પારદર્શી વહીવટ આપવાની સત્તાધારી ભાજપની ગુલબાંગ છતાં, છેલ્લા દસ વર્ષમાં વી. એસ. હોસ્પિટલના બોગસ રસીદકાંડથી લઈ ટેક્નિકલ સુપરવાઈઝર ભરતીકાંડ સુધીના બનાવોની હારમાળા જોવા મળી છે. વિપક્ષે શનિવારે (4 જાન્યુઆરી) મ્યુનિસિપલ કોર્પોરેશનના ભરતીકાંડના રાક્ષસની પ્રતિકૃતિ સાથે મેયરને આવેદનપત્ર આપી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડ તૂટવાનુ કૌભાંડ હોય કે 40 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવેલા હાટકેશ્વર બ્રિજનું કૌભાંડ હોય. વિપક્ષ તરફથી થોડા સમય માટે દેખાવ કરવામાં આવ્યા બાદ વિપક્ષ, વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષ ત્રણેય અંદરોઅંદર સમજૂતી કરી લેતા હોય છે અને છેલ્લે પિસાવાનું તો પ્રજાને આવતું હોય છે.
ઉચ્ચ અધિકારી પર કાર્યવાહી નહિવત
અમદાવાદમાં વર્ષ- 2005થી ભાજપ સત્તાસ્થાને છે. વીસ વર્ષના સમયમાં અનેક નાના-મોટા કાંડ કે કૌભાંડ પણ થયા છે. તેમ છતાં કાંડ કે કૌભાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રમાં ફરજ બજાવતા કોઈ ઉચ્ચ અધિકારીને તાત્કાલિક ઘરે બેસાડી દેવામાં આવ્યા હોય તેવું AMC ના દસ વર્ષના ઈતિહાસમાં જોવા નથી મળ્યું. જયારે પણ હોબાળો થાય એ સમયે નાના કર્મચારી કે અધિકારીને સસ્પેન્ડ કરી વિવાદને સમાવવા વહીવટીતંત્ર અને સત્તાધારી પક્ષ પ્રયાસ કરતા હોય છે. ત્યારબાદ વિપક્ષને પણ પાછલે બારણે બેઠક કરી સમજાવી લેવામાં આવતો હોય છે. બદલાતા સમયની તાસિર કહો અથવા ઘટતી યાદશકિત, સમય જતાની સાથે બધા બધુ ભુલી જતાં હોય છે અને ફરી એકવખત ફરીથી રાબેતામુજબ કાંડ અને કૌભાંડનો સિલસિલો ચાલુ જ રહેતો હોય છે.
આ પણ વાંચોઃ સુરત સહિતના શહેરોમાં દારૂના અડ્ડા ચલાવતા લોકોનું સરઘસ કાઢી બતાવો
AMC ના દસ વર્ષના કાંડ-કૌભાંડની યાદી
ભાજપની પારદર્શી વહીવટની પરિભાષા
વર્ષ 2013-14 માં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી. એસ. હોસ્પિટલમાં બોગસ રસીદકાંડ બહાર આવ્યુ હતુ. જે પછી મ્યુનિ.તંત્ર તરફથી માત્ર જાણવાજોગ ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. હાલ આ મામલો કેટલે પહોંચ્યો એ મુદ્દે કોઈ બોલવા પણ તૈયાર નથી. કદાચ આ પારદર્શી વહીવટની પરિભાષા હશે.
આ પણ વાંચોઃ ગિફ્ટ સિટીમાં ભૂકંપના આંચકા મોકડ્રિલથી કર્મચારીઓમાં દોડાદોડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાંડ અને કૌભાંડમાં સંડોવાયેલા કર્મચારી કે અધિકારીને સસ્પેન્ડ અથવા તો નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા પછી ફરી પાછા નોકરીમાં હાજર કરવા માટે અગાઉથી જ બધી ગોઠવણ વહીવટીતંત્ર અને સત્તાધારીપક્ષ તરફથી કરવામાં આવતી હોય છે. દયાની અરજીના ઓઠા હેઠળ આક્ષેપિત કર્મચારી કે અધિકારી પાસેથી દયાની અરજી મંગાવી અપીલ સબ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવતી હોય છે. દર ત્રણ મહિને મળતી આ કમિટીની બેઠકમાં આવા કર્મચારી કે અધિકારીને એક કે બે ઈન્ક્રિમેન્ટ કાપવા જેવી મામૂલી સજા કરી ફરીથી નોકરીમાં અગાઉ તે જે જગ્યાએ ફરજ બજાવતા હોય છે અને ત્યાં હાજર કરી દેવામાં આવતા હોય છે.