Ahmedabad Police : અમદાવાદમાં લુખ્ખા તત્ત્વોને જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર જ નથી રહ્યો તેવી રીતે બેખૌફ બની બેઠા છે. શહેરના રખિયાલ અને બાપુનગરમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ ખુલ્લેઆમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર વડે ખૌફ બતાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, પોલીસની હાજરી હોવા છતા લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવ્યો હતો અને દાદાગીરી કરીને પોલીસને ધમકી આપી હતી. આ પછી પોલીસ ચૂપચાપ ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી જાય છે. સમગ્ર ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પીસીઆર વાનના બે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પોલીસની હાજરીમાં લુખ્ખા તત્ત્વોની દાદાગીરીનો વીડિયો વાઈરલ
રખિયાલમાં પોલીસની હાજરીમાં લુખ્ખા તત્ત્વોની દાદાગીરીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, એક શખસ પોતાના હાથમાં તલવાર રાખીને રોડ પર ખૌફ દેખાડી રહ્યો છે. જેની સાથે અન્ય એક શખસ પણ હથિયાર સાથે જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્ત્વો પોલીસને ધમકાવે છે કે, ‘બહોત મારુંગા સાહેબ’ તેમ છતાં પોલીસ ચૂપચાપ બધુ જોતી રહે છે. તેમજ આરોપી પોલીસને પોતાની જ વાનમાં બેસાડીને દરવાજો બંધ કરીને ઘટના સ્થળ છોડવા કહે છે. લુખ્ખા તત્ત્વોને લઈને પોલીસના આવા વલણ સામે સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
રખિયાલના ગરીબનગર પાસે અસામાજિક તત્ત્વોએ તીક્ષ્ણ હથિયાર સાથે ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. જેમાં રખિયાલ નૂર હોટલથી શરૂ થયેલી માથાકૂટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસની હાજરીમાં અસામાજિક તત્ત્વોનો આતંકનો વીડિયો સામે આવતાની સાથે પોલીસ દોડતી થઈ હતી. જેમાં પોલીસે વીડિયોના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે.
બે આરોપીની ધરપકડ અને બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા: ડીસીપી
અમદાવાદના રખિયાલના ગરીબનગર પાસે આતંક મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે અમદાવાદના ડીસીપી રવિ મોહન સૈનીએ કહ્યું કે, ‘જૂની અદાવતમાં છ આરોપીઓએ આતંક મચાવ્યો હતો. મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં રામોલથી ફઝલ શેખ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ સિવાય અલ્તાફ નામના આરોપીની પણ ધરપકડ કરાઈ ચૂકી છે. જ્યારે ચાર આરોપીઓને પકડવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબીએ શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ, પીસીઆર વાનના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.’
ડીસીપીએ જણાવ્યું કે, ‘આરોફી ફઝલ વિરૂદ્ધ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આરોપી અલ્તાફ સામે 6 પાસા સહિતના 16 ગુના નોંધાયેલા છે. તમામ આરોપીઓ વિરૂદ્ધ શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલા છે.’