Gujarat Police: અમદાવાદના વસ્ત્રાલમાં માથાભારે તત્ત્વો દ્વારા વાહનો, દુકાનોમાં તોડફોડ કરવાની ઘટના સામે આવ્યા બાદ ડીજીપીએ ગંભીર નોંધ લીધી હતી. ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસે 10 જેટલી માથાભારે ગેંગની પ્રાથમિક યાદી તૈયાર કરી છે. જેમાં ખંડણી માંગવી, જમીન સહિતની મિલકતો હડપ કરવી અને ગંભીર હુમલા કરીને લોકો ભય ફેલાવતી ગેંગનો સમાવેશ થાય છે. હવે આવા અસામાજિક તત્ત્વોને અંકુશમાં લેવા માટે પોલીસે વોટ્સએપ નંબર 63596 25365 જાહેર કર્યો છે. જેમાં અસામાજિક અને લુખ્ખા તત્વોની માહિતી આપવા નાગરિકોને અપીલ કરી છે.
અસામાજિક તત્વોની હવે ખેર નહીં
અમદાવાદ પોલીસના જણાવ્યાનુસાર, શહેરમાં આપનાં રહેણાકની આજુબાજુમાં, વ્યવસાય, નોકરીના સ્થળની આજુબાજુમાં કે અન્ય કોઈપણ જાહેર સ્થળોએ ભય ફેલાવનાર, લુખ્ખાગીરી કરનાર કે અન્ય કોઈપણ પ્રકારના ગેરકાયદે કૃત્ય કરનાર અસામાજિક ઇસમો સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જેમાં અસામાજિક તત્ત્વો પર અંકુશ લાવવા ઈનામી પ્રયોગ હાથ ધર્યો છે. જે હેઠળ પોલીસ દ્વારા એક વોટ્સએપ નંબર 63596 25365 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબરનો ઉપયોગ કરી અસામાજિક અને લુખ્ખા તત્વોની માહિતી આપવા માટે નાગરિકોને અપીલ કરાઈ છે.
આ ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી થશે
ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વસ્ત્રાલની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં સક્રિય હોય તેવી અસામાજીક તત્ત્વો સામે કાર્યવાહી કરવા માટે શનિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને 100 કલાકમાં અસામાજીક તત્ત્વોની યાદી કરવા માટે સુચના આપી હતી. જે અનુસંધાનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ તાકીદની બેઠક યોજીને અમદાવાદમાં સક્રિય હોય તેવી ગેંગની તેમજ અસામાજીક તત્ત્વોની યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ કરી હતી.