Private hospital in Ahmedabad: હોસ્પિટલમાં દર્દીને દર્દી નહીં પણ એક ગ્રાહક તરીકે જ જોવામાં આવે છે તેનો વધુ એક કિસ્સો જોવા મળ્યો છે. અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં એમ કહીને મૃતદેહ તેમના સ્વજનોને સોંપવાથી ઈનકાર કર્યો હતો કે,‘વધારાનો ચાર્જ ચૂકવશો તો જ મૃતદેહ લઇ જવા દેશું.’
‘બિલ ચૂકવો અને પછી જ મૃતદેહ લઇ જઇ શકાશે.’
મળતી માહિતી અનુસાર, જજીસ બંગલોમાં રહેતાં વૃદ્ધા પુષ્પાબેન દરજીને હાર્ટ એટેક આવતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. સ્વજનો જ્યારે મૃતદેહને લેવા ગયા તો હોસ્પિટલ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, ‘પહેલા રૂપિયા 1.65 લાખનું બિલ ચૂકવો અને પછી જ મૃતદેહ લઇ જઇ શકાશે.’
સ્વજનો જ્યારે રૂપિયા 1.65 લાખનું બિલ ચૂકવીને ફરીથી મૃતદેહ લેવા માટે ગયા તો હોસ્પિટલ દ્વારા એવો જવાબ અપાયો કે, ‘દિવસ દરમિયાન તબીબે મુલાકાત લીધી હોવાથી 23 હજારનો બીજો અન્ય ચાર્જ ઉમેરાયો છે. આ ચાર્જ ચૂકવ્યા બાદ જ મૃતદેહ લઇ જઇ શકશો.’
મૃતકના સ્વજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો
હોસ્પિટલે આ રીતે વધારાનો ચાર્જ ઉમેરતાં મૃતકના સ્વજનોએ હોબાળો મચાવ્યો હતો. મૃતકના સ્વજને કહ્યું કે, ‘સવારે મૃત્યુ થઈ ગયા બાદ અમે તમામ ચાર્જ ચૂકવી દીધો હતો. હવે વધારાનો શેનો ચાર્જ વસૂલવામાં આવે છે અને તેના અંગે પહેલા અમને કોઇ જાણ પણ કરાઇ નહોતી. પરિવારના સદસ્યનું મૃત્યુ થયું હોવા છતાં હોસ્પિટલ મેનેજમેન્ટે અમારી સાથે ઉદ્ધતાઇપૂર્વક વાત કરી હતી.’