Ahmedabad News: ગુજરાત સહિત દેશભરમાં વરસાદના કારણે પાણી ભરાવા અને ભૂવા પડવાની સમસ્યા અવાર-નવાર સામે આવતી હોય છે. પરંતુ, ગુજરાત મોડેલના વિકસિત શહેર અમદાવાદમાં તો હવે વગર વરસાદે જ ભૂવા પડવા લાગ્યા છે. AMC ની ભ્રષ્ટાચાર ભરેલી કાર્યવાહીના પગલે શહેરના પોષ વિસ્તાર ગણાતા પશ્ચિમ ઝોનમાં વગર વરસાદે ભૂવા પડવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
એક મહિના પહેલાં જ થયું હતું સમારકામ
અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં વિજય ચાર રસ્તા નજીક રોડ ઉપર બે ભૂવા પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે, જ્યાં ભૂવો પડ્યો છે ત્યાં લગભગ એક મહિના પહેલાં જ એએમસી દ્વારા રોડના સમારકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં રોડની આ પરિસ્થિતિ થતાં સમારકામના નામે ખર્ચાયેલા નાગરિકોના ટેક્સના પૈસા કોના પેટમાં ગયાં તે એક મોટો પ્રશ્ન ઉદ્ભવી છે.
ભ્રષ્ટાચારની આશંકા
શહેરના પોષ વિસ્તારમાં પડેલાં આ ભૂવાથી મહાનગરપાલિકાના એન્જિનિયરિંગ વિભાગની બેદરકારી છતી થઈ છે. આ સાથે જ રોડ બનાવવાથી લઈને સમારકામ સુધી ભ્રષ્ટાચાર થયા હોવાની ચર્ચા પણ થઈ રહી છે.