Ahmedabad Crime: કહેવાતા સુરક્ષિત ગુજરાત રાજ્યની દર બીજા દિવસે પોલ ખુલી રહી છે. રાજ્યના વિકસિત શહેર અમદાવાદમાં પણ જાણે કાયદો અને વ્યવસ્થા નેવે મૂકી હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. શહેરના બોપલ વિસ્તારમાં ગુરૂવારે (2 ફેબ્રુઆરી) જ્વેલર્સની દુકાને ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે દુકાનદારની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદમાં સાઉથ બોપલ વિસ્તારમાં ગુરૂવારે (2 ડિસેમ્બરે) ધોળા દિવસે લૂંટ કરવામાં આવી છે. બે-ત્રણ લોકો હેલ્મેટ પહેરીને કનકપુરા જ્વેલર્સમાં ઘુસી ગયાં હતાં. જ્યાં લૂંટારૂઓએ દુકાનમાં હાજર તમામ લોકોને બંદૂકની અણીએ ધમકાવીને ડિસ્પ્લેમાં હાજર તમામ દાગીના લૂંટીને લઈ ગયા હતાં. સમગ્ર ઘટના જ્વેલર્સની દુકાને હાજર સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, લૂંટારાઓ પોતાની ઓળખ છુપાવીને દુકાનમાં હાજર લોકોને ધમકાવી ડિસ્પ્લેમાં હાજર તમામ દાગીના લૂંટીને ભાગી રહ્યા છે.
પોલીસે નાકાબંધ કરી હાથ ધરી તપાસ
સમગ્ર ઘટનાની ફરિયાદ બાદ પોલીસે તપાસ લૂંટારાઓને શોધવાના પ્રયાસ હાથ ધર્યા છે. જે માટે અમદાવાદ એસ.પી. રિંગરોડ તરફ જતા રોડ પર પોલીસે નાકાબંધી કરી છે. અને જ્વેલર્સની દુકાન તેમજ આસપાસના સીસીટીવી કેમેરાની દ્વારા લૂંટારાઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ મણિનગર રેલવે સ્ટેશન રોડ ત્રણ મહિના માટે બંધ કરાયો, જાણો ડાયવર્ઝન રૂટ
લોકોમાં ભયનો માહોલ
નોંધનીય છે કે, એકબાજુ સુરક્ષિત ગુજરાતના બણગાં ફૂંકવામાં આવે છે. ત્યાં બીજી બાજુ અસમાજિક તત્વો અને ચોર-લૂંટારાઓનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને જોતા સામાન્ય લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્ત્વનું છે કે, જે વિસ્તારમાં લૂંટ કરવામાં આવી તે અમદાવાદનો ભરચક અને પોષ વિસ્તાર છે. ત્યારે આ વિસ્તારમાં ધોળા દિવસે બંદૂકની અણીએ થતી લૂંટે પોલીસ તંત્ર પર પણ મોટા સવાલ ઊભા કર્યાં છે.