અમદાવાદ, ગુરૂવાર
શહેરમાં આવેલી ટેક્ષટાઇલ માર્કેટમાં વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવે છે અને ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ પણ નોંધવામાં આવે છે. પરંતુ, પોલીસ ફરિચાદ ઉપરાંત, ચોક્કસ સક્રિય ગેંગ દ્વારા વેપારી સાથે મળીને અન્ય એક વેપારીને કરોડો રૂપિયાનો ચુનો લગાવવાની ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે. જેનો ભોગ અનેક વેપારીઓ બની ચુક્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર ઓફિસમાં કેટલાંક વેપારીઓ દ્વારા અરજી કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ટેક્ષટાઇલ એસોશીએશનના નામે એક સંસ્થા ધરાવતી વ્યક્તિ સાથે કેટલાંક વેપારીઓની સાંઠગાઠ છે. જેમાં તે વેપારીઓ નવા વેપારી પાસેથી શરૂઆતમાં કાપડનો માલ મંગાવીને પેમેન્ટ કરી આપવામાં આવે છે. જેથી માલ સપ્લાય કરનાર વેપારીને વિશ્વાસ આવે છે. ત્યારબાદ બે થી ત્રણ વાર માલ મંગાવીને પણ પેમેન્ટ કરે છે.
જો કે બાદમાં બે થી ત્રણ કરોડના કાપડનો ઓર્ડર કરીને પેમેન્ટ ચુકવવાની મુદ્દત 30 દિવસ ગણીને તે મુદ્દત બાદ પણ નાણાં પરત કરતો નથી. આમ, ત્રણથી ચાર મહિના સુધી પેમેન્ટ ન મળતા ભોગ બનનાર વેપારી કથિત એસોશીએશન પાસે પહોંચે છે અને બાદમાં એસોશીએશનના મુખ્ય વ્યક્તિ દ્વારા મોટો ખેલ શરૂ થાય છે. જેમાં તે માલ ખરીદનાર વેપારીને નુકશાન ગયુ હોવાથી તે નાણાં ચુકવી શકે તેમ ન હોવાથી પોલીસમાં ફરિયાદ કરવાને બદલે ચાર કરોડના માલની સામે એક થી દોઢ કરોડ રૂપિયા લઇ લો નહીતર પાર્ટી ખોટમાં હોવાથી પોલીસ કેસ પછી નાણાં નહી મળે..આમ, ભોગ બનનાર વેપારીને ચાર કરોડના કાપડની સામે માત્ર એક થી દોઢ કરોડ રૂપિયા હાથ લાગે છે. આ ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી ચાલતી છેતરપિંડીનો ભોગ અનેક વેપારીઓ બની ચુક્યા છે. ત્યારે આ મામલે તપાસ થાય તો અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.