અમદાવાદ,શનિવાર
ગુજરાત યુનિવર્સિટીના એનીમેશન વિભાગના કો-ઓર્ડિનેટર ડૉ. કમલજીત લખતરિયા દ્વારા સત્તાનો દુરઉપયોગ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે નિવૃત ન્યાયધીશ એ કે ગુપ્તાના રિપોર્ટના આધારે અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં નોંધાયેલી ફરિયાદના અનુસંધાનમાં તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે સુત્રોના જણાવ્યા મુજબ આ મામલે ક્રાઇમબ્રાંચ પર કેટલાંક મોટા નેતાઓએ રાજકીય દબાણ ઉભુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. જો કે ક્રાઇમબ્રાંચના સિનિયર અધિકારીઓએ કોઇ દાદ નહી આપીને રિપોર્ટના આધારે તપાસ શરૂ કરવાની સુચના આપી છે.
જેમાં પ્રાથમિક તપાસમા સમગ્ર કૌભાંડમાં કમલજીત લખતરિયાની ભૂમિકા જણાઇ આવી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના એનીમેશન વિભાગના કો-ઓર્ડિનેટર ડૉ.કમલજીત લખતરિયાને હાયર પેમેન્ટ પ્રોગ્રામ હેઠળ એનિમેશન વિભાગમાં વહીવટી ખર્ચ, ફેકલ્ટીને ચુકવવામાં આવતી ફી, તેમજ ઓડીટ, કોર્ષમાં એડમીશન અને અન્ય ખર્ચ સંભાળવાની કામગીરી કરવાની જવાબદારી આપવામાં આવી હતી. જેમાં એનિમેશન વિભાગને થતી આવકમાં ૩૦ ટકા ગુજરાત યુનિવર્સિટીને આપવાની હતી અને બાકીની આવક હાયર પેમેન્ટ પ્રોગ્રામ સંભાળતી એજન્સીને આપવાનું નક્કી થયું હતુ. જો કે નાણાંકીય ગેરરીતિ આચરી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ સંદર્ભમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિવૃત ન્યાયધીશ એ કે ગુપ્તાની કમિટી બનાવીને સમગ્ર મામલે તપાસ કરીને ૫૦ પાનાનો રિપોર્ટ તૈયાર કરાયો હતો. જેમાં એ કે ગુપ્તાએ કેસ સાથે જોડાયેલા સાત થી વધુ લોકોના નિવેદન લેવાના સાથે પુરાવા એકત્ર કર્યા હતા. જેમાં સમગ્ર કૌભાંડમાં કમલજીત લખતરિયાની મુખ્ય ભૂમિકા સામે આવી હતી. સાથેસાથે તેમણે યુનિવર્સિટીના સત્તાધીશોને પણ અંધારામાં રાખીને ગેરરીતિ આચરી હોવાનું ફલિત થયું હતું.આમ, ક્રાઇમબ્રાંચને સમગ્ર કેસની તપાસમાં નિવૃત ન્યાયધીશ એ કે ગુપ્તાનો રિપોર્ટ મદદરૂપ સાબિત થઇ રહ્યો છે. આ અંગે ક્રાઇમબ્રાંચના અધિકારીએ જણાવ્યું કે હાલ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હિમાંશુ પંડયા, એડવાઇઝરી કમિટીના વનરાજસિંહ ચાવડા અને રજીસ્ટ્રાર પીયુષ પટેલ સહિતના ૧૯ લોકોને નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે. જે કેસની રૂટીન કેસની તપાસનો ભાગ છે.
પરંતુ, સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલા આંતરિક રાજકારણમાં લખતરિયાના યુનિવર્સિટી સાથે સંકળાયેલા કેટલાંક અધિકારીઓની સંડોવણી ઉભી કરવા માટે પોલીસ પર દબાણ કરવામાં હોવાની વિગતો મળી છે. જો કે ક્રાઇમબ્રાંચના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ મામલે હાલ રિપોર્ટ અને તેની સાથે જોડાયેલા દસ્તાવેજોના આધારે જ તપાસ કરવા માટે તપાસ અધિકારીઓને સુચના આપી છે. આમ, લખતરિયા દ્વારા આચરવામાં આવેલી છેતરપિંડીના કેસમાં રાજકીય માથાઓ અંગત અદાવતનો ફાયદો ઉઠાવવા માટે પ્રયાસ કરી રહ્યાની વિગતો બહાર આવતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.