ઉચ્ચ અભ્યાસ માટે ભલે વિદેશ જાવ પણ પછી દેશમાં જ સ્થાયી થવા યુવાનોને અનુરોધ
Updated: Dec 23rd, 2023
અમદાવાદ, શનિવાર
આવનારા સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી ભલે બધું જ સંચાલિત થતું હોય પરંતુ તેની પાસે માનવતા અને આત્મા નથી, તેથી તે ક્યારેય માનવનું સ્થાન તો નહીં લઇ શકે. AI માનવ જેવું બનશે તો તો ખતરો પણ આપણે જ છે. આ સ્થિતિમાં ટેક્નોલોજીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો જરૂરી છે તેમ ઈસરોના ચેરમેન એસ. સોમનાથે અમદાવાદ ખાતે જણાવ્યું છે.
આજે ભારત વિશ્વના અગ્રણી મેન્યુફેક્ચરિંગ દેશમાં સામેલ : ઈસરો ચેરમેન
અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વિજ્ઞાાન ભારતીના ઉપક્રમે યોજાયેલા ભારતીય વિજ્ઞાાન સંમેલનમાં ઈસરોના ચેરમેન એસ. સોમનાથે વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘આપણા દેશનો ઈતિહાસ ઉન્નત રહેલો છે, ઋષિઓ દ્વારા બ્રહ્માંડનું સત્ય શોધવામાં આવ્યું હતું. આજે 140 કરોડની વસતી છતાં આપણે ગરીબીનું નિયંત્રણ કરી શક્યા છીએ. ભારતીયોના સરેરાશ આયુષ્યમાં પણ વધારો થયો છે અને તે નાનીસુની વાત નથી. આજે ભારત વિશ્વના અગ્રણી મેન્યુફેક્ચરિંગ દેશમાં સામેલ છે. આપણો દેશ ઈલેક્ટ્રોનિક્સ-મેન્યુફેક્ચરિંગમાં અગ્રણી બને તેવા પ્રયાસ થઇ રહ્યા છે. સંરક્ષણ સંસાધનોમાં આપણે નિકાસકર્તા રાષ્ટ્ર છીએ. આજે અવકાશ ક્ષેત્ર ખુલ્લું મૂકાયું છે, અનેક ખાનગી કંપનીઓ આવી છે અને ઈસરો તેમને સહાયરૂપ બને છે. ‘
તમે જે ક્ષેત્રમાં સંશોધન કરો છો તે ઉત્પાદન સુધી પહોંચવું જોઇએ : સોમનાથ
તેમણે વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું કે, ‘આપ વિશ્વમાં ક્યાંયપણ અભ્યાસ કરવા જાવ, ઉચ્ચ જ્ઞાન મેળવો, શ્રેષ્ઠ બનો પણ પરત આપણા દેશમાં જ આવો. દેશ માટે કાર્ય કરતાં-કરતાં પોતાના વિકાસ માટે પણ કાર્ય કરતાં રહો. વિશ્વના દેશોમાંથી લોકો આવીને આપણા દેશમાં રહેવાની ઈચ્છા કરે તેવો આપણે આપણા દેશને બનાવવાનો છે. તમે જે ક્ષેત્રમાં સંશોધન કરો છો તે ઉત્પાદન સુધી પહોંચવું જોઇએ. આપણે સંશોધન-ઔદ્યોગિક સંપર્ક સધન બનાવવાની આવશ્યક્તા છે. આજે સરકાર નોલેજ ક્રિએશન અને તેના દ્વારા વેલ્થ ક્રિએશન માટે સતત પ્રયત્નશીલ છે. નવી શિક્ષણ નીતિમાં અનેક પરિવર્તન આવ્યા છે, જેનાથી શક્ય બનશે. ‘