Ahmedabad News : ગુજરાતમાં અમદાવાદ સહિતના જિલ્લામાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા 7612 શખ્સોની યાદી તૈયાર કરવામાં આવી હતી. અમદાવાદના બાપુનગરમાં વેપારીની દુકાનના રિનોવેશન સમયે અસામાજિ તત્ત્વોએ લાખો રૂપિયાની ખંડણીની માગ કરીને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસના જાહેર કરાયેલા લિસ્ટમાં કદાચ સાહેબ આનું નામ લખવાનું ભૂલી ગયા હતા કે શું તેવા સવાલો ઉઠ્યા છે. જ્યારે સમગ્ર ઘટનાને લઈને વેપારી એસોસિએશનના પ્રમુખે અમદાવાદ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી હતી.
અસામાજિક તત્ત્વોએ માગી લાખોની ખંડણી
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં દુકાનના રિનોવેશનની કામગીરી વખતે અસામાજિક તત્ત્વોએ વેપારી પાસેથી લાખો રૂપિયાની ખંડણી માગ કરીને રિનોવેશનનું કામ અટકાવી દેવાની અને તોડાવી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે વેપારી એસોસિએશનના પ્રમુખ નાગજીભાઈ દેસાઈએ અમદાવાદ પોલીસ કમિશનરને એક લેખીત રજૂઆત કરી હતી.
અમદાવાદ પોલીસ કમિશનરને કરી રજૂઆત
વેપારી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, ‘શહેરમાં નાના અને મધ્યમ વર્ગના વેપારી 50 વર્ષ જૂની દુકાનનું રિનોવેશન કરતા હોય ત્યારે અસામાજિક તત્ત્વો નકલી પત્રકાર, રાજકીય કાર્યકર કે નકલી આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ બનીને લાખો રૂપિયાની ખંડણીની માગ કરે છે અને ધમકી આપે છે. લોકો તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રિનોવેશનની કામગીરીમાં ખોટી રીતે બાંધકામ થાય તો AMC નોટિસ આપીને કાર્યવાહી કરી શકે. પરંતુ ખંડણીખોર અસામાજિક તત્ત્વો લાખો રૂપિયા શેના ઉઘરાવે છે?’
ખંડણીખોર અસામાજિક તત્ત્વો સામે તડીપાર, પાસા, ગુજકોટ જેવી કલમોનો ઉપયોગ કરવાને લઈને પ્રમુખે રજૂઆત કરી હતી કે, ‘શહેરમાં ખંડણી કરતાં શખ્સો વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીને તેમને ગેરકાયદે મિલકત કે બાંધકામને તાત્કાલિક તોડી પાડીને સમાજમાં દાખલો બેસાડવામાં આવે તેવી અમારી માગ છે.’