Bopal NRI Murder Case : અમદાવાદના બોપલમાં થોડા દિવસ પહેલા માઇકા વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાની ઘટનાની તપાસ હજુ ચાલી રહી છે. ત્યારે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં વધુ એક હાઇ પ્રોફાઇલ હત્યા કેસ નોંધાયો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા એનઆરઆઇ દિપકભાઇ પટેલના માથામાં પથ્થરના ઘા ઝીંકીને ગોધાવી-મનીપુર રોડ પર આવેલા ગરોડીયા ગામ નજીક હત્યા કરવામાં આવી હતી. મૃતક દિપકભાઇ છેલ્લાં ઘણા મહિનાઓથી અમેરિકામાં હતા, ત્યારે પણ સતત માનસિક દબાણમાં રહેતા હતા. જેથી અમદાવાદમાં જ તેમના કોઇ જાણીતા વ્યક્તિએ અંગત અદાવતમાં હત્યા કર્યાની શક્યતાને આધારે તપાસ શરૂ કરી છે. મૃતક દિપકભાઇ પટેલ ભારતમાં આવતા ત્યારે જમીન લે-વેચનું કામ કરતા હોવાથી આ મામલે કોઇએ હત્યા કરી હોવાની પ્રબળ શક્યતા છે.
પતિ-પત્ની અમેરિકાથી બે માસ પહેલા તહેવારોની ઉજવણી માટે આવ્યા હતા ભારત
સરખેજ ગામમાં મુખીની શેરીમાં રહેતા 56 વર્ષીય એનઆરઆઇ અલ્પાબેન પટેલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે અમેરિકાના કેલિફોર્નિયા ખાતે તેમના પતિ દિપકભાઇ પટેલ સાથે રહે છે. અલ્પાબેન અને દિપકભાઇ અમેરિકાથી બે મહિના પહેલા નવરાત્રિ અને દિવાળીના તહેવાર માટે અમદાવાદ આવ્યા હતા અને સરખેજમાં મુખીની શેરીમાં આવેલા એક બંગલામાં રહેતા હતા.
ગુરૂવારે રાત્રે કોઇને મળવાનું મૃતક રાત્રે 12 વાગે ઘરેથી બહાર ગયા હતા
ગુરૂવારે રાતના 12 વાગે દિપકભાઇ કારને યોગ્ય રીતે પાર્ક કરવાનું કહીને બહાર ગયા હતા. થોડીવાર પછી તેમણે અલ્પાબેનને કોલ કરીને કહ્યું હતું કે, ‘એક વ્યક્તિને મળીને એક કલાકમાં પરત આવું છું.’ પરંતુ, મોડી રાત સુધી પરત ન ફરતા અલ્પાબેને કોલ કર્યો ત્યારે તે ફોન ઉપાડતા નહોતા.
દીકરીએ આઇફોન ટ્રેકિંગ સિસ્ટમથી લોકેશન શોધ્યું
જેથી તેમણે અમેરિકા ખાતે રહેતા તેના દીકરા જીગરને અને ગાંધીનગર ખાતે રહેતી દીકરીને જાણ કરતા તેમણે આઇફોન ટ્રેકિંગ સિસ્ટમથી તપાસ કરી ત્યારે મોબાઇલ ફોનનું લોકેશન ગોધાવી-મનીપુર રોડ પર આવેલા ગરોડીયા ગામનું આવતું હતું. જેથી શુક્રવારે સવારે અલ્પાબેન અને તેમના વેવાઇ તપાસ કરવા માટે ગયા ત્યારે દિપકભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના માથા પર બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : પોરબંદરથી 700 કિલો ડ્રગ્સ ઝડપાયું, ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે બન્યો સ્વર્ગ
જમીન મામલે કોઈએ હત્યા કરી હોવાની શક્યતા : અમદાવાદ જિલ્લા પોલીસ કમિશનર
આ અંગે બોપલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી. ગોહિલ અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી ફુટેજ અને અન્ય કોલ ડીટેઇલ રેકોર્ડના આધારે તપાસ શરૂ કરી હતી. આ અંગે અમદાવાદ જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે, ‘મૃતક દિપકભાઇ પટેલ અમદાવાદમાં આવતા ત્યારે જમીન લે-વેચનું કામ કરતા હતા અને જેથી તેમની હત્યા કોઇએ જમીન મામલે કરી હોવાની શક્યતા છે.’
શનિવારે સવાર સુધીમાં આરોપીને ઝડપી લેવાશે : અમદાવાદ જિલ્લા પોલીસ કમિશનર
અમદાવાદ ગ્રામ્ય પોલીસના વડા ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે, ‘આ કેસમાં આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે અને તેને ઝડપી લેવા માટે પોલીસની ટીમ કામગીરી કરી રહી છે. શનિવારે સવારે આરોપીને લાવ્યા બાદ તેની ઓળખ, હત્યા પાછળનો હેતુ અને અન્ય બાબતો સ્પષ્ટ થઇ શકશે.’