Kagdapith Police Station, Ahmedabad : અમદાવાદ શહેરમાં આવેલા કાગડાપીઠ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ચોરીનો આરોપી ફરાર થયો હોવાની ઘટનામાં DCPએ ASI અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યાં છે. જો કે, આરોપી કસ્ટડીમાંથી ફરાર થયા બાદ તેને નારોલ વિસ્તારમાંથી ફરીથી દબોચી લેવાયો હતો.
કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ASI અને હેડ કોન્સ્ટેબન સસ્પેન્ડ
મળતી માહિતી પ્રમાણે, 21 નવેમ્બરના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી હિતેશ ઉર્ફે રોકી પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને શહેરના ઝોન-6 DCPએ ફરજમાં બેદરકારી રાખવા માટે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ASI કિરનસિંહ અર્જુનસિંહ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભરતકુમાર હેમુભાઈને સસ્પેન્ડ કર્યા. જો કે, ઝોન-6 એલસીબી સ્કવોડ અને કાગડાપીઠ પોલીસ દ્વારા આરોપીને નારોલ વિસ્તારમાંથી દબોચી પાડવામાં આવ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
ઝોન-2 LCB સ્ક્વોડને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ત્રણ શખસો ઓટો રીક્ષામાં પેસેન્જરોને બેસાડીને તેમની નજર ચૂકવીને મોબાઈલ, રોકડ રૂપિયા લૂંટ કરે છે. આ ઉપરાંત, આરોપીઓ રાત્રિના સમયે ખુલ્લા ઘરોમાં પ્રવેશ કરીને મોબાઈલની ઉઠાંતરી કરીને ફરાર થઈ જતા હતા. આ ત્રણેય ગુનેગારોને પોલીસે ઝડપી લીધા હતા. ત્રણેય આરોપીઓને પકડીને કાગડાપીઠ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી કુલ 9 મોબાઈલ ફોન, રીક્ષા અને રોકડ રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.